પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  ગુજરાતમાં 1995માં ભાજપની પહેલી વખત સરકાર રચાઈ હતી. જો કે છ મહિનામાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે તેમના જ સાથી શંકરસિંહ વાઘેલાએ બળવો પોકાર્યો અને સમાધાનના ભાગ રૂપે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે શંકરસિંહ પોતે જ મુખ્યમંત્રી થવા માગતા હતા તેના કારણે તેમને સુરેશ મહેતાનું મુખ્યમંત્રી થવુ પણ મંજુર ન્હોતુ. આ દરમિયાન ઘણા રાજકિય સમીકરણો બદલાયા હતા.

જેમાં સૌથી પહેલા ગુજરાત ભાજપના મહામંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી હટાવી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હરિશચંદ્ર પટેલની તબિયત નાજુક હોવાને કારણે અધ્યક્ષની જવાબદારી કોંગ્રેસના સભ્ય ચંદુ ડાભીને સોંપવામાં આવી હતી. કેન્દ્રમાં એચ.ડી. દેવગૌડાની સરકાર હતી અને ગુજરાતના રાજ્યપાલ પદે કુષ્ણપાલસિંહ હતા. આ તમામ સંજોગો શંકરસિંહને મદદ કરે તેવા હતા પણ ખાટલે મોટી ખોટ હતી, શંકરસિંહ કોંગ્રેસની મદદ લઈને પણ સરકાર બનાવી શકે તેમ ન્હોતા.

આમ છતાં તેમણે પોતાના સભ્યો દ્વારા રાજ્યપાલને મળી સુરેશ મહેતાની સરકાર લધુમતીમાં મુકાઈ ગઈ છે તેવો દાવો કરતા રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહે સુરેશ મહેતાને વિશ્વાસનો મત લેવાનો આદેશ આપ્યો હતો. જ્યારે વિશ્વાસનો મત લેવાઈ રહ્યો હતો ત્યારે અધ્યક્ષ પદે ચંદુ ડાભી બેઠા હતા. મતની ગણતરી શરૂ થઈ ત્યારે સુરેશ મહેતાની બહુમતી હોવા છતાં અચાનક તોફાન શરૂ થયુ જે શંકરસિંહ વાઘેલા દ્વારા પુર્વયોજીત હતું. તોફાન વચ્ચે અધ્યક્ષ ચંદુડાભીએ સુરેશ મહેતા વિશ્વાસનો મત હારી ગયા તેવી જાહેરાંત કરી દીધી. વિધાનસભામાં તોફાન થયુ, ધારાસભ્યો અને પત્રકારો ઘવાયા અને મામલો પહોંચ્યો રાજ્યપાલ ભવન.

રાજ્યપાલ સામે પોતે વિશ્વાસનો મત જીતી ગયા છે તેવા દાવા સાથે સુરેશ મહેતા અને અત્યારના કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળા ત્યારે નાણામંત્રી હતા તે પહોંચ્યા, તેમણે પોતાનો પક્ષ મુક્યો પણ બાપુએ કુષ્ણપાલ સિંહ સાથે ગેમ ફિક્સ કરી હતી. રાજ્યપાલે તરત કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ મોકલ્યો હતો, જેમાં તેમણે દેવગૌડા સરકારને કહ્યુ કે ગુજરાતની સ્થિતિ સારી નથી. ગુજરાત વિધાનસભાને સુસુપ્ત અવસ્થામાં મુકી દેવામાં આવે, ગુજરાતમાં ચૂંટાયેલી સરકાર હોવા છતાં દેવગૌડાએ ગુજરાત વિધાનસભાને સુસુપ્ત અવસ્થામાં છ મહિના માટે મુકી દીધી.

શંકરસિંહ બાપુ માટે આ છ મહિના પુરતા હતા, તેમણે ભાજપના ધારાસભ્ય તોડ્યા અને પોતાની સરકાર બની પોતે મુખ્યમંત્રી બની ગયા હતા. હવે સમય બદલાયો છે, દેવગૌડાથી દાઝેલા વજુવાળા કર્ણાટકના રાજ્યપાલ છે.  હવે દેવગૌડા કોંગ્રેસ સાથે મળી કર્ણાટકમાં સરકાર બનાવવા માગે છે પણ વજુવાળાનો નિર્ણય હવે નિર્ણાયક બનશે તે જોવાનું રહ્યુ કે વજુભાઈ ભુતકાળ ભુલી બંધારણને અનુસરે છે કે જેવા સાથે તેવાનો દાવ અજમાવે છે.