મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: વોટ્સએપે ડિલિટ ફોર એવરી વન ફિચરને અપડેટ કર્યું છે. અપડેટ બાદ હવે યુઝર્સ મોકલેલા મેસેજને 4096 સેકેન્ડ અથવા 68 મિનિટ અને 16 સેકેન્ડ બાદપણ ડિલિટ કરી શકે છે. જ્યારે અગાઉ આ સમય મર્યાદા ફક્ત 420 સેકેન્ડ એટલે કે 7 મિનિટની હતી. હાલ આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફિચર વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.18.69 માટે લોન્ચ પણ કરી દેવામાં આવ્યું છે. આ ફિચરનું સ્ટેબલ વર્ઝન એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ટૂંક સમયમાં રિલિઝ કરવામાં આવશે. એટલે કે હાલ ફક્ત વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ જ આ ફિચરનો લાભ લઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપે ગત વર્ષે નવેમ્બરમાં દુનિયાભરના એન્ડ્રોઇડ, આઇઓએસ અને વિન્ડોઝ યુઝર્સ માટે ડિલિટ ફોર એવરીવન ફિચર લોન્ચ કર્યુ હતુ. અત્યાર સુધી આ ફિચરનો ઉપયોગ યુઝર્સ સેન્ડ કરેલા મેસેજને 7 મિનિટની સમય મર્યાદામાં ડિલિટ કરી શકતા હતા. જેમાં સેન્ડ કરેલી ટેક્સ્ટ અને મિડિયા ફાઇલ્સ બંનેનો સમાવેશ થાય છે. લોન્ચ બાદથી કેટલાક લોકોનું માનવું છે કે ડિલિટ કરવા માટે નક્કી કરવામાં આવેલી સમય મર્યાદા ઘણી ઓછી છે. જેને લઈને વોટ્સએપ દ્વારા એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે નવું અપડેટ લોન્ચ કરવામાં આવનાર છે. નવા અપડેટ બાદ યુઝર્સ એક કલાક પછી પણ મેસેજ ડિલિટ કરીશ શકશે.