પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ગુજરાત અને રાજસ્થાન પોલીસને એન્કાઉન્ટરના નામે જેમની હત્યા કરી નાખી તેવા રાજસ્થાનના ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિની હત્યાનો કેસ મુંબઈની ખાસ અદાલત સામે ચાલી ગયો. હવે તેનો ચુકાદો તા. 21મી ડિસેમ્બરના રોજ આવવાનો છે. વર્ષ 2005 અને 2006માં થયેલા હત્યાનો મામલો તેર વર્ષ સુધી કોર્ટમાં લટકતો રહ્યો. જેમાં ઘણા પોલીસ અધિકારીઓ ટ્રાયલ વગર નવ વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. મુંબઈ કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તે પહેલા ભાજપના કદાવર નેતા અમિત શાહ, ગુલાબચંદ કટારીયા અને આઈપીએસ અધિકારીઓ  ડી. જી. વણઝારા, અભય ચુડાસમા, રાજકુમાર પાંડીયન અને દિનેશ એમએન સહિત16 આરોપીઓને કોર્ટે ડીસચાર્જ કરી દીધા હતા. હવે આ કેસમાં પોલીસ ઈન્સપેક્ટર અને તેમના તાબાના અધિકારીઓ સામે કેસ ચાલ્યો હતો.

આ કેસને સાંભળનાર સીબીઆઈના જજ શર્મા તા. 31મી ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે તે પહેલા તેઓ આ કેસનો ચુકાદો આપવાના છે. આ કેસમાં સીબીઆઈ દ્વારા રજુ કરવામાં આવેલા 95 કરતા વધુ સાક્ષીઓએ અગાઉ સીઆઈડી ક્રાઈમ અને સીબીઆઈને આપેલુ નિવેદન ફેરવી તોળ્યુ હતું. આમ સોહરાબુદ્દીનનાં અપહરણ અને તેની ગેરકાયદે અટકાયત અને સોહરાબુદ્દીન, તુલસી અને કૌશરની હત્યાને સાબિત કરી શકે તેવા ઠોસ સાક્ષી રજુ કરવામાં સીબીઆઈ નિષ્ફળ સાબીત થઈ હતી. કોર્ટમાં રજુ થયેલા સાક્ષીઓ અને દસ્તાવેજના આધારે હાલમાં જેમની સામે પણ ટ્રાયલ ચાલી ગઈ તેમને કસુરવાર ઠરાવી તેમને સજા કરી શકાય તેવો આ કેસ નથી તેવુ કાયદાવીદ માને છે.

પરંતુ આ કેસની શરૂઆતથી તેમાં રાજકારણ ભળેલુ છે. સોહરાબુદ્દીન અને તેના સાથીની હત્યાના કારણ દસ્તાવેજ ઉપર ખંડણી દર્શાવવામાં આવ્યુ છે. પરંતુ સોહરાબુદ્દીન શેખના સાથી રહેલા અને આ કેસના સાક્ષી આઝમખાને હરેન પંડ્યા કેસ સાથે જોડી દીધો હતો. 2014માં કેન્દ્ર સરકાર બદલાઈ અને તમામ મોટા માથાએ એક પછી એક કેસમાંથી નિકળી ગયા હતા જેના કારણે નાના પોલીસ કર્મચારીઓને કેસનો સામનો કરવાનો વખત આવ્યો હતો. આ નાના કર્મચારીઓ સતત ફફડાટ સાથે કેસનો સામનો કરી રહ્યા હતા,તેમના મનમાં ડર હજી પણ છે કે મોટા  નેતાઓ અને તેમના સિનિયર આ કેસનો ગાળીયો તેમના ગળામાં ભરાવી દેશે. જેના કારણે નાના કર્મચારીઓ સતત કોર્ટમાં હાજર રહી પોતાના બચાવમાં જે પણ કરી શકાય તેવા તમામ પ્રયાસો કર્યા હતા.

કોર્ટ જે ઝડપથી કેસ ચલાવવાની ઉતાવળ કરી રહી હતી તેના કારણે પણ નાના કર્મચારીઓના મનમાં રહેલી શંકા દ્રઠ થઈ રહી હતી. આ કેસમાં રીટ્રાયલ આવે નહીં અને કેસ જલદી પુરો થઈ જાય તેવી તમામ મોટા માથાઓની ઈચ્છા હતી. 2019માં કેન્દ્ર સરકારમાં પરિવર્તન થાય તો નવેસરથી કેસ શરૂ થવાનો ડર પણ મોટા માથાઓને છે જેના કારણે તેઓ 2019 પહેલા જ કેસને પુરો કરી નાખવા માગે છે. કેસનો સામનો કરનાર નાના કર્મચારીઓના મનમાં શંકા હોવા છતાં તેવી આશા છે કે તેમના નેતાઓ અને સિનિયરો પોતાની જેમ તેમને પણ આ કેસમાંથી બહાર કાઢશે. હવે ચુકાદાના દિવસો નજીક આવી રહ્યા છે. તેઓ માને છે કે જો કોર્ટને રાજકારણ પ્રભાવિત કરે નહીં તો કેસમાંથી નિર્દોષ છુટવાની શક્યતા છે. પરંતુ જો કેસ પ્રામાણિક રીતે ચાલ્યો છે તેવુ દર્શાવવા માટે નાના કર્મચારીઓને માત્ર કસુરવાર ઠેરાવવામાં આવે તો ઘણા સમીરકરણો બદલાઈ શકે છે.

કેસમાં રજુ થયેલા પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં લેતા ગુજરાત અને રાજસ્થાન પોલીસ સામેનો કેસ પુરવાર કરવો અઘરો છે. જો કોર્ટ તમામને પુરાવાના અભાવે નિર્દોષ છોડે તો હત્યા કોણે અને શુ કામ કરી તે પ્રશ્ન બ્રહ્માંડમાં વિલીન થઈ જશે, જેમ હરેન પંડ્યાને કોણે માર્યો હતો? તે રીતે.