પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પરપ્રાંતીયોની શરૂ થઈ રહેલી હિજરત બાદ મારા બે-ત્રણ મિત્રોએ મને પુછ્યું કે ખરેખર આ પ્રશ્ન પાછળ કોઈ રાજકારણ છે, ત્યારે મેં તેમ  જવાબ આપ્યો કે તમે જે  પક્ષીય રાજકારણ સમજી રહ્યા છો તેનું પ્રમાણ ઓછું છે, પરંતુ બીજા રાજકારણનું પ્રમાણ વધારે છે, બીમારીનું ચોક્કસ નિદાન થાય તો તેની દવા પણ થાય. સમગ્ર મુદ્દે  મોટા ભાગના લોકો ઉપર છલ્લુ ખાસ કરી જે સપાટી ઉપર દેખાય છે તેના આધારે પ્રશ્નની ચર્ચા થઈ રહી છે, સાબરકાંઠાના એક ગામડામાં એક પરપ્રાંતીય ગુનો આચરે અને તેની અસર સમગ્ર રાજ્યમાં થાય તે વાતમાં માલ નથી, આ ઘટના તો એક ટ્રીગર છે, પરપ્રાંતીય સામે અચાનક ગુસ્સો ફાટી નીકળ્યો નથી, તેના બીજ જાણે અજાણે લાંબા સમયથી રોપાઈ ગયા હતા, પણ આપણા સમાજશાસ્ત્રી અને રાજનેતાઓ પરિસ્શિતિનો તાગ મેળવવામાં મોડા પડયા છે.

1960 પહેલા ગુજરાત મહારાષ્ટ્ર એક હતું, ત્યાર બાદ ગુજરાત અલગ થયું, હજારો મરાઠીઓએ ગુજરાતના વડોદરા સહિત વિવિધ શહેરોમાં જ રહેવાનું પસંદ કર્યું જ્યારે લાખો ગુજરાતીઓએ મુંબઈ સહિત મહારાષ્ટ્રના શહેરોમાં જ રહેવાનું પસંદ કર્યું કારણ ગુજરાતીઓના ત્યાં ધંધા રોજગાર હતા, એક જ બજારમાં મરાઠીની દુકાન હોય અને તેની બાજુમાં જ ગુજરાતીની દુકાન હતી, પણ ગુજરાતી વેપારીનો ધંધો, મરાઠી વેપારી કરતા સારો ચાલતો હતો. કારણ ગુજરાતીના લોહીમાં વેપાર છે, તેના કારણે કાળક્રમે મરાઠી વેપારી માનવા લાગ્યો કે ગુજરાતી મારા કરતા વધુ કમાય છે. મને ખબર નથી પણ તે મરાઠી વેપારીની મનમાં બીજો વિચાર કેવી રીતે આવ્યો કે ગુજરાતથી મહારાષ્ટ્ર આવી આ ગુજરાતીઓ આપણા કરતા વધુ કમાય છે.
અજાણતા ઈર્ષાના બીજ મરાઠીના મનમાં રોપાયા હતા, જેના કારણે થોડા વર્ષો પહેલા શિવસેનાએ ગુજરાતીઓ હાંકી કાઢવાની વાત કરી હતી, જો કે શિવસેનાને સામાન્ય મરાઠી માણસમાં પડેલી લાગણી ભડકાવી પોતાનો સ્વાર્થ પુરો કરવાનો હતો. થોડા સમય પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ભૈયાઓને ભગાડી દેવાની વાત કરી હતી, કારણ ભૈયાઓને કારણે મરાઠી માણુસને કામ મળતુ નથી તેવી તેમની લાગણી હતી. અરે ભાઈ મુળ મહારાષ્ટ્રના લોકોને કામ ના મળે અને ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા માણસને મુંબઈમાં રોજગાર મળે આ તો કેવી વિચિત્ર વાત છે

 

ગુજરાતના સાબરકાંઠાથી શરૂ થયેલી ઘટના લગભગ મુંબઈમાં બનેલી ઘટના સાથે બહુ જ સામ્યતા ધરાવે છે, હું અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહું, મારા ઘરની બહાર ફ્રુટ જ્યુસની કતારબંધ લારીઓ વર્ષોથી લાગે છે. આ બધા જ લારીવાળા લગભગ ઉત્તર પ્રદેશના છે, થોડા વર્ષો પહેલા એટલે પંદર વીસ વર્ષ પહેલા ફ્રેશ જ્યુસનો રસ્તા ઉપર ધંધો શરૂ કરનાર આ ઉત્તર પ્રદેશના વતનીઓ છે જેમને સામાન્ય બોલચાલની ભાષામાં ભૈયા કહેવામાં આવે, આમ તો ભૈયા શબ્દ માનવાચક છે, પણ આપણે ત્યાં ખાસ કરી જ્યારે પરપ્રાંતીય માટે ભૈયા શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે માન હોતુ નથી. આ જયુસવાળા પોતાના પરિવારને વતનમાં મુકી રોજગાર માટે અમદાવાદમાં આવ્યા, રસ્તા ઉપર ધંધો કર્યો, એક નાનકડી ખોલી ભાડે રાખી માત્ર રાત્રે સુવા જતા હતા.

સવારના સાતથી રાતના બાર વાગ્યા સુધી રસ્તા ઉપર ઊભા રહી મહેતન કરતા આ ભૈયાનો આર્થિક વિકાસ થવો બહુ સ્વભાવીક હતો. હવે આ ભૈયા પાસે અમદાવાદમાં પોતાની માલિકનું ઘર છે, તેનો પરિવાર અમદાવાદમાં આવી ગયો. તેમના બાળકો ગુજરાતી શાળામાં ભણે અને તેમની પાસે કાર પણ છે. પરંતુ આ વાત તેની પડોશમાં રહેતા અથવા પડોશમાં ધંધો કરતા ગુજરાતીને ખટકવા લાગી. ગુજરાતી માનવા લાગ્યો કે છેક ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલો આ ભૈયો અથવા કદવો બહુ કમાઈ ગયો અને હું રહી ગયો. હું રહી ગયો તેવો જે ભાવ છે તેના માટે પણ તે ખુદ  ગુજરાતી જવાબદાર છે. જે પ્રકારે ભૈયાએ અમદાવાદમાં મહેનત કરી તેવી મહેનત તે ગુજરાતીએ કરી નથી, કારણ ગુજરાતી પાસે પહેલાથી ઘર હતું અને બે ટંકનો રોટલો મળશે તેવો વિશ્વાસ હતો.

જ્યારે ભૈયાજી ગુજરાત આવ્યા ત્યારે એક ખોલીમાં દસ દસ ભૈયાજીઓ સાથે રહેતા હતા. તેમને પોતાનો ખર્ચ કાઢી વતનનમાં રહેતા પોતાના માતા-પિતા અને પરિવારને પૈસા મોકલવાના હતા. તેમના માટે તો અસ્તીત્વનો સવાલ હતો. તેના કારણે ભૈયાજી રોજ 18 કલાક કાળી મજુરી કરતો હતો. મહેતનનો કોઈ વિકલ્પ નથી ગુજરાતની ફેકટરીમાં કામ કરતા ભૈયાજી તેના ગુજરાતી માલિકને પણ પસંદ હતો. જ્યારે ગુજરાતી મજુર માલિકને નિયમનો બતાડતા દબડાવતો હતો. આ સ્થિતિમાં મુંબઈના લોકો જેમ માનવા લાગ્યા કે ભૈયાજીને કારણ અમને કામ મળતુ નથી અથવા ભૈયાજી આપણા કરતા વધુ કમાય છે તેવી લાગણી ગુજરાતામાં પણ પ્રબળ બનવા લાગી હતી.

કેટલાય પરપ્રાંતિયની હવે ગુજરાતમાં બીજી અથવા ત્રીજી પેઢી છે, ખાસ કરી જ્યાં આ પ્રકારની ઘટનાની વધુ અસર થઈ તેવા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં પણ આ જ કારણ જવાબદાર છે. સ્થાનિક યુવાન પાનના ગલ્લે મસાલા ચોળતો રહ્યો, બાપની થોડી ઘણી જમીન હતી તે પણ વેચી નાંખી અને તેમાં મહેતન કરવાની હિંમત અને કામનું કૌવત પણ નથી. ત્યારે તેના ગામમાં આવેલો કોઈ ભૈયા અથવા બિહારી પોતાની મહેનતને કારણે સમૃધ્ધ થયો તેની અસ્હય પીડા સ્થાનિક ગુજરાતીને થઈ, જેમ મુંબઈમાં પહેલા શિવસેના અને પછી મનસેએ આખા પ્રશ્નને સમજવાને બદલે ગુજરાતી-ભૈયાને કાઢી મુકો તેવો હોબાળો કર્યો તેવી સંકુચીત માનસીકતા ધરાવતા પોતાને ઠાકોર નેતા કહેવડાવતા અલ્પેશ ઠાકોર સહિતના સ્થાનિક નેતાઓ પણ કર્યું. ખરેખર આગ તો હતી પણ તેને ફુંક મારવાની ચેષ્ટા નેતાઓએ કરી છે.