નવી દિલ્હી: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મહંમદ અલી ઝીણાની તસવીરને થયેલ વિવાદ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અહીં પ્રસ્તુત છે કે મોહંમદ અલી ઝીણાનું ઉદ્યોગપતિ તાતા પરિવાર અને ઉદ્યોગપતિ નુસ્લે વાડિયાના પરિવાર સાથેનું પારિવારક કનેક્શન.

વર્ષ 1916માં 40 વર્ષના મહંમદ અલી ઝીણા મુંબઇના એક જાણીતા વકીલ હતા અને ઉદ્યોગપતિઓમાં ઘણા લોકપ્રિય હતા. આ ઉદ્યોગપતિઓમાં તેમના એક ક્લાયન્ટ અને મિત્ર પારસી એવા દિનશા માણેકશા પેટિટ પણ હતા. દિનશાના પેટિટના લગ્ન જેઆરડી તાતા (રતન તાતાના પિતા)ની  બહેન સાઇલા સાથે થયા હતા. પેટિટ દંપતીની પુત્રી રતનભાઇ ખૂબ જ સુંદર હતી અને મહંમદ અલી ઝીણાને તેની સાથે પ્રેમ થયો હતો. ત્યારે રતનબાઇની ઉંમર માત્ર 16 વર્ષ હતી. પોતાની સુંદરતા અને બુદ્ધિમત્તાને કારણે રતનબાઇને ‘નાઇટિંગેલ ઑફ બોમ્બે’ કહેવામાં આવતી હતી. રતનબાઇ મોહંમદ અલી ઝીણાથી ઉંમરમાં 24 વર્ષ નાના હતા. રતનબાઇને પણ ઝીણા પ્રત્યે પ્રેમ હતો આમ પ્રેમ બંને તરફી હતો. ઝીણાના પ્રથમ નિકાહ થઇ ચુક્યા હતા પરંતુ થોડા મહિના બાદ જ પત્નીનું નિધન થયું હતું. ત્યારથી તેઓ વિધુર તરીકે જીવન ગુજારતા હતા અને ત્યાર બાદ તેમને રતનબાઇ આથે પ્રેમ થયો.

રતનબાઇના પિતાને ઝીણા સાથેના આ સંબંધ પસંદ ન હતા તેથી તેમણે રતનભાઇને ઘરમાં નજરકેદ કરી દીધી. જો કે ઝીણા અને રતનબાઇ વચ્ચે પ્રેમ એટલો ગાઢ હતો કે રતનભાઇ 18 વર્ષની થતાં જ પોતાના પરિવાર સાથે સબંધ તોડી મોહંમદ અલી ઝીણા સાથે રહેવા જતી રહી અને તેણે ઇસ્લામ ર્ધમ અંગિકાર કરી નવુ નામ મરિયમ રાખ્યુ હતું અને ઝીણા સાથે નિકાહ કરી લીધા હતા અને ત્યાર બાદ તેઓ હનીમૂન માટે નૈનીતાલ ગયા હતા. તેઓ જે મેટોપોલ હોટલમાં રોકાયા હતા તે હોટલ આજે દેખરેખના અભાવને કારણે ખંડેર હાલતમાં છે. સ્ટેનલે વોલપોર્ટએ ઝીણાના જીવન પર લખેલા પુસ્તક ‘ઝીણા ઑફ પાકિસ્તાન’ માં આ વાતોનો ઉલ્લેખ કર્યો છે.

આ પુસ્તકમાં જણાવ્યા અનુસાર રતનબાઇએ એક પુત્રીને જન્મ આપ્યો જેનું નામ રાખ્યુ હતું દીના. ત્યાર બાદ ઝીણા અને રતનબાઇના લગ્ન જીવનમાં અંતર વધવા લાગ્યું હતું અને તેઓ એકબીજાથી દૂર રહેવા લાગ્યા હતા. વર્ષ 1929માં માત્ર 29 વર્ષની ઉંમરમાં રતનબાઇ ઉર્ફે મરિયમનું નિધન થયું. પોતાના જીવનના અંતિમ સમય સુધી રતનબાઇ ઝીણા એકબીજા લાગણીભર્યા પત્રો લખતા હતા. રતનબાઇના નિધન બાદ મહંમદ અલી ઝીણાએ ફરી ક્યારેય પણ નિકાહ ન્હોતા કર્યા.

મોહંમદ અલી ઝીણા પોતાના કડક અને અંતર્મુખી સ્વભાવ માટે જાણીતા હતા. કહેવાય છે કે ઝીણા પોતાના જીવનમાં સાર્વજનિક રીતે માત્ર બે વખત જ રડતા દેખાયા છે. જેમાં એક વખત પત્નીના નિધન અને બીજી વખત પાકિસ્તાન જતા પહેલા છેલ્લી વખત પત્નીની કબર પર જઇને રડ્યા હતા.

પુસ્તકમાં જણાવ્યા અનુસાર સમયનુ ચક્ર ફરતુ રહ્યું અને પુત્રી દીનાને પારસી ઉદ્યોગપતિ નેવિલ વાડિયા સાથે પ્રેમ થયો. હવે ઝીણાને દીનાના પારસી સાથેના પ્રેમ સંબંધ સામે વાંધો હતો. એક સમય એવો હતો કે ઝીણાએ પારસી યુવતી સાથે નિકાહ કર્યા હતા અને હવે તેમની પુત્રી પારસી યુવક સાથે લગ્ન કરે તે તેમને પસંદ ન હતું. પરંતુ દીના પણ પોતાની માતા રતનબાઇની જેમ જ પિતા ઝીણા સામે વિદ્રોહી બની અને નેવિલ વાડિયા સાથે લગ્ન કરી લીધા. દીના અને નેવિલ વાડિયાને એક પુત્ર થયો જેનું નામ છે નુસ્લે વાડિયા. નુસ્લે વાડિયા ભારતના જાણીતા ઉદ્યોગપતિ છે અને આઇપીએલની કિંગ્સ ઇલેવન પંજાબ ટીમના માલિકોમાં સામેલ છે અને તેમની સાથે પાર્ટનર તરીકે બોલીવુડ અભિનેત્રી પ્રિટી ઝીંટા છે.

દીનાએ પારસી નેવિલ વાડિયા સાથે લગ્ન કરતા સમગ્ર ચક્ર પૂર્ણ થ યું. દીના અને નેવિલ વાડિયાના લગ્ન બાદ ઝીણાએ પુત્રી દીના સાથેના વ્યવહારનો અંત આણી દીધો હતો. આશ્વર્યની વાત એ છે કે 15 ઓગસ્ટ 1947એ પાકિસ્તાન બન્યુ તો બીજી તરફ ઝીણાની પુત્રી દીનાનો જન્મદિવસ પણ 15 ઓગસ્ટ 1919 હતો. પાકિસ્તાનને અસ્તિત્વમાં લાવનાર મોહંમદ અલી ઝીણાનું સંતાન હમેશા માટે ભારતમાં રહ્યું અને ઝીણા પાકિસ્તાનમાં પોતાના કોઈપણ વંશજ વિના જ આ ફાની દુનિયા છોડી ગયા.

આમ પાકિસ્તાનના સ્થાપક મોહંમદ અલી ઝીણાના લગ્ન ઉદ્યોગપતિ રતન તાતાની ફોઇની દીકરી રતનબાઇ સાથે થયા હતાં. ઝીણા તથા રતનબાઇથી જન્મેલ દીકરી દીના લગ્ન પારસી ઉદ્યોગપતિ નેવિલ વાડિયા સાથે થયા. ઝીણા દીકરી દીના અને નેવિલ વાડિયાથી જન્મેલ સંતાન એટલે નુસ્લે વાડિયા કે જેઓ ભારતના ટોચના ઉદ્યોગપતિ છે.

 આ ન્યૂઝ thewirehindi.com માંથી સાભાર લેવામાં આવ્યો છે.