પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): રાજકારણમાં માણસ ક્યા સ્તર સુધી નીચે ઉતરી શકે તેનું ઉદાહરણ આપવુ હોય તો શંકરસિંહ વાઘેલાનું નામ સૌથી પહેલુ લઈ શકાય. શંકરસિંહ વાઘેલા રાજકારણમાં આવ્યા ત્યારે કોંગ્રેસનો સુર્ય મધ્યાહને હતો. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘથી પોતાની રાજકિય સફર શરૂ કરનાર શંકરસિંહને ક્યારેય કલ્પના ન્હોતી કે તેઓ સત્તાના સુત્રધાર પણ બનશે ત્યારે ભાજપનો પણ જન્મ થયો ન્હોતો. સંઘના નેતાઓ જનસંઘના નામે ચૂંટણી લડતા હતા. જનસંઘ ચૂંટણી લડતુ હતું પણ ત્યારે જનસંઘની ટિકિટ લેનાર પણ કોઈ ન્હોતુ. જનસંઘમાંથી 1980માં ભાજપનો જન્મ થયો ત્યારે પણ શંકરસિંહ વાઘેલા મહત્વની ભૂમિકામાં હતા. ગુજરાતમાં જનસંઘથી લઈ ભાજપની ઓળખ ઉભી કરવામાં અનેક નેતાઓ હતા, અનેક ચહેરાઓ પડદા પાછળના હતા પણ પડદા ઉપર ધર્મ-વીર જેવા બે ચહેરા હતા જેમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા મુખ્ય હતા.

ભાજપએ જ્યારે પહેલી વખત 1990માં ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરી ત્યારે શંકરસિંહ વાઘેલાએ કરેલી મહેનત નકારી શકાય તેમ નથી. પરંતુ જ્યારે 1995માં સત્તા મળી ત્યારે શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી થવાની ઈચ્છા હતી. તેમની ઈચ્છા હોય અને તેઓ મુખ્યમંત્રી થવા માટે લાયક પણ હતા તેને કોઈ નકારી શકે તેમ નથી. પરંતુ વાઘેલાને ભાજપનું આંતરિક રાજકારણ નડી ગયુ. વાઘેલા સ્વભાવ પ્રમાણે કોઈના તાબે થાય તેમ ન્હોતા. ગુજરાત ભાજપના મહામંત્રી પદે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓ શંકરસિહ બાપુના ભ્રષ્ટાચાર અને ચારિત્ર્યની વાત કરતા હતા પણ મને લાગે છે કે હવે તે અધિકાર નરેન્દ્ર મોદી ગુમાવી ચુક્યા છે. ખેર તે જુદી વાત છે.

1995માં ભાજપને સત્તા મળી, કેશુભાઈ મુખ્યમંત્રી થયા, આ વાત શંકરસિંહ બાપુ માટે પચાવવી અઘરી થઈ અને તેમણે છ મહિનામાં જ ભાજપના બે ફાડીયા કર્યા. તેમણે જાહેરમાં તો કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીના એક હથ્થુ શાસનનો વિરોધ કર્યો પણ અંદરખાને તેમની સત્તા લાલસાની આગ ભભુકી રહી હતી. કેશુભાઈ પટેલ ગયા અને સુરેશ મહેતા મુખ્યમંત્રી થયા પણ તેમણે સુરેશ મહેતાને ઉથલાવી સત્તા હાંસલ કરી લીધી, વાઘ લોહી ચાખી ગયો અને સત્તા વગર રહેવુ બાપુ માટે મુશ્કેલ બન્યું. પહેલા અલગ પક્ષ બનાવ્યો અને પછી કોંગ્રેસમાં ભળી ગયા. કોંગ્રેસે તેમને પ્રદેશ પ્રમુખ બનાવી તેમની ઉપર વિશ્વાસ મુક્યો, સંસદ સભ્ય બનાવ્યા,  કેન્દ્રીય મંત્રી પણ રહ્યા અને ગુજરાત વિરોધ પક્ષના નેતા પણ થયા છતાં તેમણે અન્યાય થઈ રહ્યો છે તેવી બુમો પાડી.

સત્તા લાલસા કેવી હોય તેની ઉત્તમ ઉદાહરણ બાપુએ પુરૂ પાડ્યુ, પોતાની જીંદગીમાં બધુ જ  મેળવી લીધા પછી પણ તેમની સત્તાની ભુખ સંતોષાઈ નહીં, મને સત્તાની પડી નથી તેવી શેખી મારતા બાપુ જેવા સત્તા લાલચુ કોઈ નથી તેવુ તેમણે જ સાબીત કર્યુ. જાહેરમાં ભાજપને ગાળો ભાંડવી અને વિજય રૂપાણીના સોંગદ સમારોહમાં તેમની સાથે મંચ ઉપર બેસતા શરમ સુધ્ધા આવી નહીં. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પરપોટો ફુટી ગયો. જનાધાર ગુમાવી બેઠેલા બાપુ પ્રજાને તો ઠીક પોતાને પણ છેતરી રહ્યા હતા. પોતાના સાથીઓને ભાજપમાં મોકલી હવે જ્યારે ભાજપ મુશ્કેલીમાં છે ત્યારે તેઓ ભાજપના વિરોધી છે તેવો દેખાવ કરી પોતાની નવી દુકાન શરૂ કરી છે. દિવાળીના નામે સ્નેહ મિલન અને ત્યાર બાદ ઓબીસી સંમેલનના નામે ભાજપની તુટી રહેલી લોકપ્રિયતાને બચાવવા તેઓ મેદાને પડ્યા છે.

ભાજપથી નારાજ મતદારોને કોંગ્રેસમાં જવાને બદલે નવા મંચના નેજા હેઠળ પોતાને મળે અને તેનો ફાયદો ભાજપને થાય તેવી સોપારી તેમણે લીધી  છે. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાને રાજકારણમાં હરિફાઇ આપી શકે તેવા રાજકીય ખેલાડીઓ પાક્યા નથી અને આગામી દસ વર્ષમાં પણ કદાચ તેમના જેવા રાજકીય ખેલાડી નહીં મળે.