પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-6): મને આ કેસના સાક્ષી થવા માટે ખુબ સમજાવવામાં આવ્યો, હું મારી દલિલ કરતો રહ્યો, હવે જેઓ શાંતિથી વાત કરતાં હતા તેમનો અવાજ ઊંચો થઈ રહ્યો હતો. હવે તેમણે લાલચ આપવાનું છોડી મને ધમકાવવાની શરૂઆત કરી તેમણે મને કહ્યું જુઓ તમારી પાસે બે જ વિકલ્પ છે, તમે આ કેસના સાક્ષી બનો અથવા આરોપી થાઓ. મને એકદમ આંચકો લાગ્યો, મારે આ કેસના સાક્ષી થવું કે નહીં તે મારી મુવસુફીની વાત હતી, પણ હું કેસનો આરોપી કેવી રીતે થઈ જાઉ તે મને સમજાતું ન્હોતું. હવે મેં પણ અવાજ ઊંચો કરી જવાબ આપવાની શરૂઆત કરી, એટલે સીબીઆઈના અધિકારી પણ વધુ ઊંચા અવાજે બોલવા લાગ્યા. તેમણે મને કહ્યું સીબીઆઈના કેસની તમને ખબર નથી અમારા કેસમાં આરોપીને સજા જ થાય છે.

હવે તેઓ અંતિમ છેડાની વાત કરવા લાગ્યા હતા. મેં તેમને કહ્યું જુઓ તમે મને ડરાવવાની વાત કરો નહીં, એટલે પેલા અધિકારીનો  પીત્તો ગયો, તે અધિકારીએ ગાળો બોલવાની શરૂઆત કરી મેં કહ્યું સર તમે મને ગાળો આપશો નહીં. તમે પોલીસ અધિકારી છો તેમ હું પણ એક પોલીસ અધિકારી છું.

મારૂ આ વાકય સાંભળતા જ પેલા અધિકારીનો ગુસ્સો ફાટયો તેઓ એકદમ મારી ઉપર ધસી આવ્યા અને મારી ફેંટ પકડી લીધી. હવે મારા સ્વમાન ઉપર વાત આવી, હું પોલીસ યુનિફોર્મમાં હતો અને  મારી કોલર પકડી લેતા મારો ગુસ્સો ફાટયો અને મેં પણ ઉભા થઈ પેલા અધિકારીની બંન્ને હાથે કોલર પકડી લેતા કહ્યું હવે મર્યાદા તોડી છે તો તમે પણ જોઈ લો... અમારા વચ્ચે રીતસર મારા મારી શરૂ થઈ, અમે બંન્ને એકબીજાને જમીન ઉપર પછાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યાં હાજર બીજા અધિકારી ડઘાઈ ગયા તેઓ વચ્ચે પડ્યા અમને જુદા પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ અમે એકબીજાને છોડવા તૈયાર ન્હોતા. બીજા અધિકારીએ બુમો પાડી બાજુની રૂમમાંથી બીજા અધિકારીઓને બોલાવ્યા બીજા અધિકારીઓ આવતા તેમણે અમને છુટા પાડયા, જે અધિકારીએ મારી કોલર પકડી હતી તેણે મને કહ્યું હવે તમે જોઈ લેજો, સીબીઆઈની તાકાત શું છે હું તમને બતાવીશ, મને છોડી બધા અધિકારીઓ જતા રહ્યા હવે મારી સાથે કોઈ વાત કરતુ  નહીં મને કોઈ કશું જ પુછતું પણ નહીં.

આવી રીતે મને બે દિવસ સુધી બેસાડી રાખવામાં આવ્યો. મારો પરિવાર મારી ચિંતા કરતો હતો, ત્રણ દિવસ થઈ ગયા, મારા ભાઈએ કોર્ટમાં અરજી કરી અને કહ્યું મને સીબીઆઈ દ્વારા બેસાડી રાખવામાં આવ્યો છે. આ અરજી થતાં તરત સીબીઆઈના અધિકારીઓ મને કહ્યું તમે જઈ શકો છો અમારે તમારૂ કોઈ કામ નથી. હું ગેસ્ટ હાઉસની બહાર આવ્યો ત્યારે મને લાગ્યું કે હું કેટલાય વર્ષોથી અહિયા હતો. બહાર આવ્યા છતાં મન અશાંત હતું. કારણ જે કઈ બન્યું તેના કારણે દુઃખી હતો. હું જુનાગઢ પાછો ગયો. બીજા દિવસે મને એક આધાતજનક સમાચાર મળ્યા કે સીબીઆઈએ હેડ કોન્સેબલ નરપત પટેલની ધરપકડ કરી લીધી. ખરેખર અત્યંત નિદોર્ષ માણસ હતો. એક દિવસ પુરતી તપાસ સંભાળી પરત સોંપી દીધી હતી. છતાં સીબીઆઈએ તેને આરોપી બનાવી દીધો, હવે મને ડર લાગી રહ્યો હતો. મને પેલા સીબીઆઈ અધિકારીની ધમકી યાદ આવી તેમણે મને કહ્યું હતું કે સીબીઆઈ શું કરી શકે છે જોઈ લેજો.

મારો ડર સાચો પડયો, તા 3 માર્ચના રોજ કંટ્રોલ રૂમ તરફથી મને સંદેશો મળ્યો કે સીબીઆઈ નિવેદન નોંધવા માગતી હોવાથી દેવગઢ બારીયા ગેસ્ટ હાઉસમમાં હાજર રહેવું. હું તા 5મી માર્ચના રોજ સીબીઆઈએ સામે હાજર થયો ત્યારે મને કહેવામાં આવ્યું કે પુરાવાનો નાશ અને આરોપીઓને મદદ કરવાના આરોપસર અમે તમારી ધરપકડ કરીએ છીએ. મારી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી સીબીઆઈ દ્વારા 14 દિવસના રિમાન્ડનની માગણી કરવામાં આવી. મેં વકિલ રોકયા નહીં, પણ મેં જાતે કોર્ટમાં દલીલ કરી, મેં કોર્ટને કહ્યું કે, હું પોલીસ અધિકારી છું, મેં જે કર્યું તે મારી ફરજના ભાગ રૂપે છે. મેં કોઈ ગુનાહીત કામ કર્યું નથી અને મારી ધરપકડ કરી શકાય તેવા કોઈ પુરાવા સીબીઆઈ પાસે નથી, કોર્ટે મારી દલીલ ફગાવી સીબીઆઈને પાંચ દિવસના રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો. હું હવે સીબીઆઈની કસ્ટડીમાં હતો, મારી સાથે બીજા આરોપી સાથે થાય તેવો જ વ્યવહાર થતો હતો.

મને જમવાનું આપતા ન્હોતા, હું ડાયબીટીસ અને બ્લડ પ્રેસરનો દર્દી હોવા છતાં મને સમયસર દવા પણ લેવા દેતા ન્હોતા. મને  ટોર્ચર કરવાની એક પણ તક જવા દેવા માગતા ન્હોતા, તેઓ મને વિવિધ અધિકારીઓ વિરૂધ્ધ નિવેદન આપવા કહેતા હતા, પણ પહેલા દિવસે મેં કહ્યું તે જ વાતને હું વળગી રહ્યો, મેં તેમને કહ્યું ક્રિમીનલ પ્રોસીઝર કોડ પ્રમાણે કામ કરવામાં મારી ભુલ થઈ શકે છે પણ તેની પાછળ મારો ઈરાદો પુરાવાનો નાશ કરવાનો અને આરોપીઓને બચાવવાનો જરા, પણ  પણ ન્હોતો. છતાં તેઓ માનવા તૈયાર થયા નહીં, તેમણે એક વેપારીનું નિવેદન નોંધ્યું કે લાશોને દફનાવતી વખતે તેનો જલદી નિકાલ થાય તે માટે 90 કિલો મીઠુ મંગાવ્યું હતું, આમ મારી સામે જે પુરાવાઓ રજુ કરવામાં આવી રહ્યા હતા. તે તમામ મારી વિરૂધ્ધના હતા. અનેક સાક્ષીઓ પોલીસે અમને બચાવ્યા તેવું નોંધાવ્યું હતું પણ તેમાં મારૂ નામ લખવાને બદલે સીબીઆઈએ નોંધ્યુ કે કોઈ પોલીસ અધિકારીએ અમને બચાવ્યા, હા તે કોણ છે, તે અમે જાણતા નથી.

આમ સીબીઆઈ પોતાની તપાસને અનુકુળ પુરાવાઓ ભેગા કરી રહી હતી. તેઓ સત્યની બીજી બાજુ તપાસવા તૈયાર ન્હોતા, આ કેસમાં ગોધરાની પીએસઆઈ શીવાજી પવારે જે  ફરિયાદ નોંધી તેમાં ત્રણ આરોપીના નામ હતા, ત્યાર બાદ આ તપાસ ગુજરાત સીઆઈડી ક્રાઈમ પાસે ગઈ. તેમણે પણ અનેક વખત બિલ્કીશબાનુને મળવાનો પ્રયત્ન કર્યો પણ સીઆઈડી સામે આવી જ નહીં, પણ ત્યાર  બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ તપાસમાં આવી અને બીલ્કીશે પોતાની ઉપર બળાત્કાર કરનાર 12 આરોપીઓના નામ આપ્યા હતા. સીબીઆઈ દ્વારા તેમની પણ ધરપકડ કરી લીધી હતી. પાંચ દિવસના રિમાન્ડ થતાં સીબીઆઈ દ્વારા મને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

(ક્રમશ:)

- અમારું ફેસબુક પેજ લાઈક કરો,

- ટ્વીટર પર અમને લાઈક કરો,

- અગાઉની અન્ય તમામ સીરીઝ વાંચવા અહીં ક્લિક કરો