મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે આવી પહોચ્યા હતા. રાજકોટ આવેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવસભર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. ત્યારે સૌ પ્રથમ સવારે પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કેન્સર અવેરનેસ અને નિદાન કેમ્પ કાર્યક્રમમાં હાજરી આપી હતી.. મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂજિત રૂપાણી ટ્રસ્ટના ચેરમેન છે અને તેઓ મુખ્યમંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી કેન્સરને કેન્સલ કરવા સરકાર કટિબધ છે અને તે તરફના પ્રયાસો ચાલુ છે. આજે નહીં તો કાલે તંબાકુ મુક્ત ગુજરાત વિશે આપણે વિચારવુ પડશે. તેમજ ગુજરાતમાં દીકરીઓને થતા ગર્ભાશયના કેન્સરથી બચાવવા માટે પેપ ટેસ્ટ કરાવાશે. પેપ ટેસ્ટ દ્વારા દીકરીઓને 10 વર્ષ બાદ થવાના કેન્સર અંગે નિદાન કરી જીવન બચાવી શકાય છે. તેથી ટૂંક સમયમાં પેપ ટેસ્ટ અંગે સરકાર નિર્ણય લેશે અને તમામ ગુજરાતી દીકરીના જીવનને બચાવવા માટે નિર્ણય લેવામાં આવશે.