મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: રાજ્યમાં ચકચારી મચાવનાર LRD પેપરકાંડ મામલે પહેલા ચાર આરોપીઓ અને પછી ક્રમવાર થયેલી આરોપીઓની ધરપકડ બાદ આજે સેક્ટર ૭ પોલીસે ગાંધીનગર કોર્ટ પાસે ૩ આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા છે અને તેમાં ખાસ પેપરલીકનું નેટવર્ક, પેપર વાયરલ અને મૂળ ગુનેગારોની તપાસ માટે પોલીસે આ આરોપીના રિમાન્ડ માંગ્યા છે. પોલીસે રિમાન્ડ અરજ કરતાં કોર્ટ સમક્ષ મુક્યું કે, અમને મુખ્ય સૂત્રધાર મળ્યો નથી તેથી રિમાન્ડની જરૂર છે. કોર્ટે આ સંજોગોમાં ઈન્દ્રવદન અને યશપાલના 10 દિવસના અને રાજેશના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

આ પેપરલીક કૌભાંડમાં પકડાયેલા ચાર આરોપીઓ બાદ, આરોપીઓ ૧- ઇન્દ્રવદન પરમાર, ગોત્રી  (વડોદરા),  ૨- યશપાલસિંહ સોલંકી, મકરપુરા (વડોદરા), ૩- રાજેન્દ્રસિંહ વાઘેલા, કોદરામ, (વડગામ)ની પોલીસે ૬ ડિસેમ્બરે અટક કરીને કોર્ટ કસ્ટડીમાં રજુ કર્યા હતા અને આ આરોપીઓઓની ગુનામાં સંડોવણી હોઈ તેઓની પૂછપરછ કરવા છતાં સચોટ હકીકત ન જણાવતા હોઈ અને પોલીસ કસ્ટડીનો સમય કરતાં હોઈ પોલીસે મુદ્દાસર તપાસ કરવા માટે પોલીસ કસ્ટડી માંગી છે. 

પોલીસે કોર્ટને લખ્યું છે કે આ આરોપીઓ અન્ય આરોપી મહેન્દ્રસિહ બોડાણા અને અશ્વિન રાજપૂતના નામ સરનામાં જાણતા હોવા છતાં પોલીસને જણાવતા નથી, રાજેન્દ્રસિંહ વાઘેલાને અન્ય આરોપીઓ હરિયાણી ભાષા બોલતા લોકો ગુડગાવની એક હોટેલમાં લઈ ગયા હતા ત્યાં પૂછપરછ કરવા માટે તેની હાજરી, હોટેલ ઓળખવા, એક છોકરો પણ આ આરોપીઓ સાથે ગુડગાવ નજીક પ્રશ્નપત્ર સોલ્વ કરવા ગયો હતો તે જગ્યાએ તપાસ કરવા, આ આરોપીઓના ઘરે ઝડતી કરવા, આ પ્રશ્નપત્ર વાયરલ કરેલ છે તેના ઇલેક્ટ્રોનીક માધ્યમની તપાસ કરવા,  આવી ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે, આ ગુનાના પહેલા પકડાયેલા આરોપીઓ રિમાન્ડ પર હોય તેમણે સાથે રાખી તમામની ખંતપૂર્વક તપાસ કરવાના મુદ્દે સેક્ટર ૭ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરરે ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ગાંધીનગરની કોર્ટમાં આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા છે. કોર્ટે ઈન્દ્રવદન અને યશપાલના 10 દિવસના અને રાજેશના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.