પ્રશાંત દયાળ  (અમદાવાદ): ત્યારે તે 14 વર્ષની થઈ હતી, મેં તેને મારી બાજુમાં બેસાડી તેને માસીક ધર્મ અંગે સમજ આપવાની શરૂઆત કરી, તે મને ધ્યાનથી સાંભળી રહી હતી. મારી વાત પુરી થઈ પછી તેના ચહેરા ઉપર એક આછુ સ્મીત આવ્યુ, મેં તેને પુછ્યુ કેમ હસવુ આવ્યુ? તેણે મારો હાથ પકડી કહ્યુ પપ્પા તમે મને જે સમજાવ્યુ તેની મને ખબર છે, હું હવે મોટી થઈ ગઈ છું. હું તેની સામે જોઈ રહ્યો, પહેલી વાત તે નાની હતી ત્યારે મને વળગી સુઈ જતી અને મારી સાથે મોટર સાયકલ ઉપર આવવા માટે જીદ કરતી મારી ઢંગલી  હવે મારી દીકરી મોટી થઈ રહી છે. બીજી વાત કદાચ હું તેની ઉમંરનો હતો તેના કરતા તેને વધુ સમજ આવી ગઈ હતી. સમય બદલાયો તેના કારણે સ્વભાવીક નવી પેઢી બહુ જલદી નવા સમય સાથે તાલમેલ મીલાવી લે છે. રીપોર્ટર તરીકેના મારા વ્યવસાયમાં મારો મોટો સમય ક્રાઈમ રીપોર્ટર તરીકે પસાર થયો હોવાને કારણે જયારે દીકરીઓને લગતા કોઈ સમાચારનું રિપોર્ટીંગ કરવાનું આવે ત્યારે તરત મનમાં એક થડકો વાગે, કદાચ આવુ મારી દીકરી સાથે પણ થાય તો? અને મન બેચેન થઈ જાય છે.

સામાન્ય રીતે પરિવારમાં દીકરી સાથે માતા-પિતા જે વિષયની ચર્ચા કરતા નથી તેવી બાબતોની પણ અમે અમારી દીકરી સાથે ચર્ચા કરીએ છીએ. હવે તે 17ની છે, તે નાની પણ નથી અને મોટી પણ નથી. છતાં તે માને છે તે મોટી થઈ ગઈ છે, તે જીવનના એવા મુકામ ઉપર આવી  ઉભી છે, જયાં તેને ટોકનાર નહીં, પણ તેનું સાંભળનારની જરૂર છે, તે આજે પણ સ્કૂલમાંથી આવે એટલે તેની પાસે તેની સ્કૂલ બેગના વજન કરતા વધુ વાતો તેની પાસે હોય છે. તે સ્કૂલ બેગ મુકે પછી તેના ખભા ઉપર ભાર હળવો થાય તેના કરતા તેની પાસે અમને કહેવા માટેની વાતો તે અમારી પાસે રીતસર ઠાલવી દે પછી તે શાંત થાય છે,તે ભલે માની રહી છે કે તે મોટી થઈ ગઈ છે, પણ કોઈ પણ મા-બાપને મન તેનું બાળક તો કાયમ નાનુ જ રહે છે. માતા-પિતાના મનમાં રહેતુ બાળક અને તેમા પણ ખાસ કરી દીકરી નાની રહે તે કોઈ પણ પાલવે તેમ નથી. હું તેની સાથે જીંદગીભર રહેવાનો નથી. એક સમય આવશે તેને દુનિયામાં મારી આંગળી છોડીને ચાલવુ પડશે.

પણ જ્યારે તે  મારી આંગળી છોડી ચાલવા લાગશે ત્યારે તેના પગમાં સ્થિરતા અને મનમાં સારા-નરસો ભેદ સમજવાની પુખ્તાની તેને જ જરૂર પડશે, તેને પોતાના નિર્ણય પોતે જ કરવાની મંજુરી આપવી પડશે. જો તે પોતાના નિર્ણય પોતે કરશે તો જ તે ભુલ કરશે અને ભુલ કરશે તો જ તે બીજી વખત સાચા નિર્ણય તરફ ડગલાં માંડી શકશે, કારણ  સ્કૂલનું શિક્ષણ વર્ષમાં એક વખત પરિક્ષા લે છે. જ્યારે જીંદગીનો તો ડગલે પગલે પરિક્ષા લેવાની છે, તેને જીંદગીની પરિક્ષા માટે તૈયાર કરવાની છે.માતા-પિતા પાસે અનુભવ હોય છે. જ્યારે દીકરીની આંખમાં સ્વપ્નાઓનો સંમદર હોય છે અને માતા-પિતાના અનુભવ અને દિકરીના સ્વપ્નાઓને તાલમેલ બેસતો નથી ત્યારે માતા-પિતા લાગે છે દીકરીને ખબર પડતી નથી અને દીકરી માને છે તેના પિતા નવા જમાનાને સમજી શકતા નથી. વાસ્તવીકતા તો એવી છે કે બંન્ને પોતાની જગ્યાએ સાચા હોય છે. પણ આપણે ત્યાં પ્રેમ અને સેકસ મીત્રતા જેવા વિષય અંગે સામે-સામે બેસી માતા-પિતા અને દિકરી સંવાદ કરતા નથી.

જેના કારણે દીકરી પોતાની સમજ પ્રમાણે જીંદગીમાં આગળ વધે છે, જેને ખરેખર હજી સારા નરસાનો ભેદ ખબર નથી, પણ તેની આ ઉમંરમા તે જેની સૌથી નજીક છે તેવા માતા-પિતા જ પોતાના જ વિચારો સાચા છે તેવુ ઠરાવવા માટે આ મુદ્દે સંવાદ કરતા નથી. ઘણા માને છે કે તે મોટી થશે ત્યારે તેને આપમેળે બધી ખબર પડશે, ખરેખર તો તેને જે સમજ પડવા લાગી છે તેની માતા-પિતાને ખબર પડતી નથી, પણ બંન્ને પક્ષ આ  મુદ્દે સંવાદ બંધ કરે અને ત્યાંથી જ સમસ્યાની શરૂઆત થાય છે. જરૂરી નથી કે આપણે તેના માતા-પિતા છીએ એટલે આપણી જ માન્યતા સાચી છે, બની શકે કે પણ સાચી હોઈ શકે છે, સાથે તેને દુનિયામાં બધા જ ખરાબ માણસો જ મળશે અને તેની સાથે ખરાબ થશે તેવુ આપણે ડરવાની જરૂર નથી અને તેને ડરાવવાની જરૂર પણ નથી. દુનિયામાં ખરાબ માણસોની સંખ્યા બહુ નાની છે, એટલે તો આપણે બધા સલામત છીએ.  દીકરી નાની હતી અને બગીચામાં રમવા જતી ત્યારે તેને ખબર હતી કે તેના મમ્મી-પપ્પા તેનાથી થોડેક જ દુર ઉભા છે, તેને જયારે જરૂર પડશે ત્યારે તે તરત આવી જશે.

આજે પણ આપણે તેને તેવો જ અહેસાસ  આપવાની જરૂર છે કે બેટા હવે તારે એકલા જવાનું છે, છતાં તુ એકલી નથી, તને જયારે પણ જરૂર પડશે ત્યારે અમે તારી પાસે અને તારી સાથે છીએ, માત્ર સાચા નિર્ણયમાં જ નહીં તારી કોઈ ભુલ હશે, અથવા ભુલ થશે તો પણ તુ અમારી જ છે અને અમારી જ રહીશ. આ એક પ્રયાસ દિકરીનેજીંદગીની મુકતતા તો આપશે સાથે તેની  આપણે તેની ઉપર ભરોસો કરીએ છીએ તે વાત તેની અંદર એક નવા આત્મ વિશ્વાસને પણ જન્મ આપશે. (સાભાર-ગુજરાત મીત્ર, સુરત).