પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): મારા એક બ્રાહ્મણ મિત્ર તેમને જ્યારે પણ તક મળે અને ચર્ચા નિકળે ત્યારે તેઓ પોતે સવર્ણ હોવાનું ગૌરવુ લેવાનું ચુકતા નથી. તેઓ સવર્ણ છે તેના ગૌરવ સુધી વાંધો નથી, પરંતુ અન્ય ચોક્કસ જાતિના લોકો તેઓ ખાસ જ્ઞાતિમાં જન્મયા હોવાને કારણે તેમનું અપમાન કરવાનું પણ ચુકતા નથી. મારે  તેમની સાથે આ મુદ્દે અનેક વખત ચર્ચા થઈ છે, તેઓ માને છે કે ચોક્કસ જ્ઞાતિમાં જન્મેલા વ્યકિતના સંસ્કાર તેમની જ્ઞાતિ પ્રમાણે જ હોય છે. તેઓ ક્યારેય સુધરવાના નથી વગેરે વગેરે, પણ મને ખબર છે તેઓ જે જ્ઞાતિને ધીક્કારે છે તેવી જ્ઞાતિના લોકો તેમની કંપનીમાં કામ પણ કરે છે. મેં જ્યારે તેમના મતથી વિરૂધ્ધની જ્ઞાતિના લોકો કઈ રીતે તમારી કંપનીમાં કામ કરે છે તેવો પ્રશ્ન પુછ્યો ત્યારે તેમણે મને કહ્યું ધંધો અને આપણો મત બંન્ને અલગ બાબત છે.

હું મારા મિત્ર આ મત સાથે જરા પણ સંબંધ નથી, મને પરમાર, મકવાણા, મુંધવા, શેખ અને પઠાણ અને અટક ધરાવતી વ્યકિત સાથે વાંધો હોય તો તેના કારણો હોવા જોઈએ માત્ર તેમની અટકને કારણે તેઓ મને ગમતા નથી તેવું કારણ વાજબી લાગતું નથી. મેં જોયું તો મોટા ભાગના લોકો બીજાને માત્રને માત્ર ચોક્કસ અટકને કારણે પસંદ કરતા નથી. તેમને તમે પુછો કે તમારી સાથે પરમાર, શેખ અથવા મુંધવા અટક ધરાવતી વ્યકિતઓએ ક્યારેય ખરાબ વ્યવહાર કર્યો છે અથવા તમને નુકશાન પહોંચાડયું છે તો દસમાંથી આઠ વ્યકિતનો જવાબ ના આવશે છતાં દસે વ્યકિત માને છે કે આ જ્ઞાતિના લોકો ઉપર ભરોસો થાય તેમ નથી. આવું થવા પાછળનું મુખ્ય કારણ આપણનો પરિવાર અને આપણી આસપાસના લોકો જ હોય છે.

હું નાનો હતો ત્યારે મારા ઘરમાં જ મારા દાદા-દાદી પાસે સાંભળતો કે મીયાનો કોઈ દિવસ ભરોસો કરાય નહીં, ત્યારે મને ખબર પડતી ન્હોતી કે મીયા ઉપર ભરોસો કેમ કરવો જોઈએ નહીં. મોટો થયો ત્યારે પત્રકાર થતાં પહેલા ભાગ્યે જ મારે એકાદ બે  મુસ્લિમો સાથે સંપર્કમાં  આવવવાનું થયું હતું અને તેમણે મને ક્યારેય નુકશાન પણ કર્યું ન્હોતુ, છતાં તેમનો ભરોસો થાય નહીં તેવુ મેં સાંભળ્યું હતું તે વાત મારામાં ઘર કરી ગઈ હતી. વારસામાં માત્ર મિલ્કતો જ મળે છે તેવું નથી વારસામાં વિચારો પણ મળે છે. મિલ્કતને કારણે મેં પરિવારોને બરબાદ થતાં જોયા છે પણ વારસામાં ખોટા વિચારા મળ્યા હોય તો મેં પેઢીઓને પણ બરબાદ થતી જોઈ છે. પત્રકાર થયો ત્યાર બાદ ઘણા મુસ્લિમોને મળવાનું થયું આજે અનેક વિશ્વાસુ એવા મુસ્લિમ મિત્રો પણ છે.

માણસ કોઈ ચોક્કસ અટક ધરાવતી જ્ઞાતિના જન્મે તેના કારણે તે પવિત્ર થતો નથી અને ચોક્કસ જ્ઞાતિનો હોવાને કારણે અપવિત્ર અને ક્રુર થતો નથી. મુસ્લિમો માંસ ખાય તેના કારણે જનુની હોય છે એવી એક ખોટી ભ્રમણા આપણા મનમાં નાખી દેવામાં આવી છે. વિશ્વ આખામાં ખ્રિસ્તીઓ પણ માંસ ખાય છે છતાં દુર દુરના ગ્રામીણ વિસ્તારમાં ગંદકીમાં જીવતા ગરીબો વચ્ચે તેમની સાથે રહી તેમનું જીવન ધોરણ સુધારવાનું કામ ખ્રિસ્તી મીશનરીઓએ કર્યું જ છે.

આમ આપણે શિક્ષીત હોવાનો દાવો કરીએ છીએ ત્યારે મને લાગે છે કે શિક્ષણને આપણને નોકરી કમાવવાની તક આપી પણ શિક્ષણ આપને સમજ આપી શકયુ નહીં, કોણે શું ખાવુ અને કોણે શું પહેરવુ તે તેનો વ્યકિતગત પ્રશ્ન છે. કોઈનો ખોરાક તેને અપવિત્ર અથવા પવિત્ર કરી શકતો નથી. હું કેટલીક જ્ઞાતિનો ઉલ્લેખ કરતો નથી  કારણ નાહકની તેમાં પણ બબાલ ઊભી થશે. જેઓ  પોતાના શ્વાસને કારણે પણ સુક્ષ્મ જીવની હત્યા થાય નહીં તેની તકેદારી રાખે છે, પણ દેશમાં થતાં આર્થિક ગુનાની યાદી જુઓ તો ચોક્કસ જ્ઞાતિઓના લોકો વધારે છે તેનો અર્થ સમગ્ર જ્ઞાતિ ભ્રષ્ટ છે તેવું કહી શકાય નહીં.

આપણે માની છીએ આપણને ગંદકીનો છોછ છે પણ ખરેખર તેવું નથી આપણને ગંદકીમાં રહેવાની ટેવ પડી ગઈ છે. આપણી આસપાસની ગંદકી તો આપણે સફાઈ કામદાર સાફ કરી જાય છે પણ મગજમાં પડેલી ગંદકી આપણી જીંદગી ખત્મ કરી રહી છે પણ આપણને તેની દરકાર નથી. જ્યારે આપણા ઘરની ગટર ઉભરાઈ જાય અને ગટરનું પાણી આપણા ઘર અને ઘરની આસપાસ ફેલાઈ રહ્યું હોય ત્યારે આપણા માટે આપણા મળ મુત્ર ભરેલી ગટરમાં ઉતરી તેને સાફ કરનાર સફાઈ કામદાર ભગવાન કરતા પણ મોટો લાગે છે. ખરેખર ગંદકી સાફ કરનાર જ કાયમ મોટો હોય છે આપણે તો વિચારોની ગંદકી ફેલાવનાર લોકો છીએ, એક વખત માની લઈએ કે આપણને જે ગમતા નથી તે બધા ખોટા છે, જો તેઓ ખોટા છે તો તેમના વગર જીવતા શીખી લેવું પડશે પણ આપણે તેવુ કરતા નથી. આપણને તેઓ ગમતા નથી અને તેમના વગર ચાલતુ પણ નથી કારણ આપણે જુઠ્ઠા અને દંભી છીએ.

આપણા અણગમાનું કારણ પણ આપણી પાસે સજજડ નથી, રોજ સવારે ઉઠી આપણે આપણા મનને ખંખરેતા નથી, જેના કારણે આસપાસનો વૈચારિક કચરો આપણા મનમાં ભરાયા કરે છે. મારી સત્તર વર્ષની દિકરીને જ્યારે હું કહુ કે બેટા આ તારે કરવાનું નથી ત્યારે મને કહે છે તમે ના પાડો હું તે નહીં કરૂ પણ મારે કેમ તેવું કરવુ જોઈએ નહીં તેનું કારણ તો આપો. આવો જ પ્રશ્ન આપણે આપણી જાતને પુછવાનો છે, મને કોઈ ગમે છે તો તેનું કારણ શું છે અને કોઈ નથી ગમતા તો તેના આટલા કારણો આપણે આપણી જાતને સવાલ પુછતાં થઈ જઈશું તો મને લાગે છે આપણા મનમાં રહેલી કડવાશ અને અણગમામાં ચોક્કસ ઘટાડો થશે.