મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ગુજરાત સરકારે ભલે નવરાત્રીમાં વેકેશનની જાહેરાત કરી હોય, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારની જાહેરતાની ઐસીતેસી કરીને મંગળવારે જાહેરાત કરી છે કે નવરાત્રીમાં ખાનગી મંડળની 400 સ્કૂલો નિયમિત ચાલુ રહેશે અને દિવાળીમાં 21 દિવસનું વેકેશન આપવામાં આવશે. શાળા સંચાલક મંડળ કોઇ પણ હિસાબે નવરાત્રીમાં શાળા ચાલું રાખવા મક્કમ છે. સરકાર શિક્ષાત્મક પગલાં જાહેર કરે તો પણ તેનો સામૂહિક સ્વીકાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજય સરકાર દ્વારા શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરી ૧૦ થી ૧૭ ઓકટોબર દરમિયાન નવરાત્રી વેકેશન અને ૫ થી ૧૯ નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશનની જાહેર કરી હતી પણ સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તેનો વિરોધ કરીને નવરાત્રીમાં 400 સ્કૂલ ચાલું રાખવાનો અને દિવાળીમાં 21 દિવસ વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. શાળા સંચાલક મંડળનું કહેવું છે કે વાલીઓ પાસે સમંતિ પણ લઇ લેવામાં આવી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ દીપક રાજયગુરુએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ અને શાળાનું પરિમાણ સારુ આવે તે  મહત્ત્વનું છે. રાજય સરકારે  કોઇને પણ વિશ્વાસમાં લીધા વગર દિવાળીનું વેકેશન ટૂંકાવીને નવરાત્રીનું વેકેશન જાહેર કરી દીધું તે કોઇ પણ રીતે વિદ્યાર્થી અને વાલીના હિતમાં નથી. 18 ઓકટોબરથી પરીક્ષા શરૂ થાય છે ત્યારે નવરાત્રીનું વેકેશન બાળકોનું પરિણામ બગાડી શકે તેમ છે. શાળાઓના વાર્ષિક કેલેન્ડર માર્ચ મહિનામાં બની જતા હોય છે. જો સરકારે ત્યારે કહ્યું હોત તો શાળાઓ વેકેશનમાં ફેરફાર કરી શકત. બીજુ કે વિદ્યાર્થીઓને નવરાત્રીમાં વેકેશન પડશે પણ તેમના વાલીની નોકરી કે ધંધો તો ચાલુ જ રહશે આમ બધી રીતે નવરાત્રીનું વેકેશન શિક્ષણ માટે  યોગ્ય લાગતું નથી. એટલે મંડળે સામૂહિક રીતે નિર્ણય લીધો છે કે સુરતની 400 શાળા નવરાત્રીમાં ચાલુ રહેશે અને દિવાળીમાં 21 દિવસનું વેકેશન રહેશે.

નવરાત્રીમાં શાળાઓ ચાલુ રાખવાનાં મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારી યુ.એન.રાઠોડે જણાવ્યું હતુ કે સરકારનાં આદેશ મુજબ નવરાત્રી વેકેશન આપવું ફરજિયાત હોવાથી ગુજરાત બોર્ડની જે શાળાઓ ચાલુ રહેશે તેવી શાળાઓનો તપાસ રિપોર્ટ બોર્ડમાં કરવામાં આવશે.