મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે ગુરુવારે ત્રણ માસની માસુમ બાળકી સહિત વધુ બે જણાના તાવમાં મોત નિપજતા 2018ના વર્ષમાં અત્યાર સુધીમાં પાણીજન્ય રોગચાળાને કારણે ૧૯નાં મોત થયાં છે. છતાંયે પાલિકાના આરોગ્ય વિભાગના પેટનું પાણી હલતું નથી. ઓફિસમાં બેઠાબેઠા સબ સલામતની  આલબેલ પોકારી રહ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી વિગત મુજબ વેસુ સોમેશ્વરા એન્કલેવમાં રહેતા બિંનુ શેટ્ટીની ત્રણ માસની પુત્રી નિકીતા છેલ્લા બે દિવસથી તાવ અને શરદીમાં સપડાઈ હતી. જેથી તેની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ ગુરુવારે સવારે ફરી વધુ તબિયત ખરાબ થતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલમાં લઈ જવાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. પિતા બિંનુના જણાવ્યા મુજબ નિકીતાને બે દિવસથી તાવ હોવાને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. જયારે અન્ય બનાવ પાંડેસરા ભેસ્તાનના ગોલ્ડન આવાસમાં રહેતા જમાલખાન કમાલખાન પઠાણને (ઉ.વ.૧૮) બે દિવસ અગાઉ તાવ આવ્યો હતો. બાદમાં બુધવારે સાંજે ઘરે તાવ અને ઉલ્ટી થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કર્યો હતો જમાલખાન પાંચ દિવસ પહેલા જ વતન યુપીથી સુરત ફરવા આવ્યો હતો. વતનમાં તેને કમળાની અસર હતી.