મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ સમગ્ર રાજ્યમાં ક્યારેય પાણીની કટોકટી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં સુજલામ સુફલામ યોજના શરુ કરવા જઇ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેર કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચેકડેમોને રીપેર કરવામાં આવશે, ૮૦૦૦ જેટલા તળાવને ઉંડા કરવામાં આવશે અને ૩૪ નદીઓ પુનર્જીવીત કરી શુદ્ધ કરવામાં આવશે. સાથે જ જામનગરના જોડિયા ખાતે દરિયાના ખારા પાણીને મીઠું કરી રોજનું ૧૦૦ MLD ઉપયોગમાં લેવા માટે ના પ્લાન્ટ અંગે કોન્ટ્રાક્ટ અપાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. ડીસેનીનેશન પ્લાન્ટનું આગામી મહિનામાં ખાતમુહુરત કરવામાં આવશે જેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજ્ય સરકાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજ રોજ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ મનપા, ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જીલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે યોજાયેલા ૨૫૬ કરોડના અલગ અલગ ખાતમુહુરત અને લોકાર્પણના કાર્યક્રમ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા. રાજકોટ આવેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેરાત કરી જણાવ્યું હતું કે , પશ્ચિમ રાજકોટ માં તળાવ નથી માટે નવા રેસકોર્સ ખાતે ૧૦ એકર જગ્યા માં એક નવું તળાવ બનાવવામાં આવશે.