મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર જિલ્લામાં મોટી ખાવડી નજીક આવેલ પેટ્રોલીયમ કંપની રિલાયન્સને મેઘરાજાએ તરબોળ કરી દેતા કંપનીની અનેક સાઇટ તળાવમાં તબદીલ થઇ ગઇ હતી. કંપનીની ફરતે કરવામાં આવેલ વોલને તોડીને વરસાદી પાણી કંપની અંદર ઘુસી જઇ વ્યાપક તબાહી મચાવી છે.

જામનગર જિલ્લામાં ગઇકાલથી શરૂ થયેલ મેઘરાજાની સવારીએ એક ચક્રી શાસન અખત્યાર કરી સાબેલાધાર મહેર વરસાવતા, આ મહેર અનેક જગ્યાએ કહેરમાં તબદીલ થઇ હતી. લાલપુર પંથકમાં અનરાધાર 15 થી 20 ઈંચ વરસાદ સમગ્ર પંથકને તરબોળ કરી દીધો હતો. જામનગર અને લાલપુર પંથકમાં આવેલી પેટ્રોલીયમ કંપની રિલાયન્સમાં પ્રવેશવું કોઇ વ્યક્તિ માટે શક્ય નથી. પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી મોટી ખાવડીમાં અનરાધાર 20 ઇંચ વરસાદ વરસાવી દેતા ચોતરફ પાણી પાણી થઇ ગયું હતું. કંપનીએ કરેલ દિવાલને તોડીને વછુટેલ ઘોડાપુર કંપની અંદર ઘુસી ગયા હતાં. કંપની અંદર આવેલ પેટ્રોલીયમ ઉપરાંતના તમામ પ્લાન્ટમાં પાણી-પાણી થઇ ગયું હતું. કંપનીની મશીનરી પણ 1 થી દોઢ ફુટ ડુબી જવા પામી હતી તેમ સૂત્રોએ જણાવ્યુ હતું. દ્વારકા હાઇ-વે પર આવેલ કંપનીના મોલમાં પાણી ઘુસી ગયા હતાં. જો કે સાંજ સુધીમાં આ પાણી બહાર નિકળી જતાં કંપની સતાધીશોને પણ ધરપત થઇ હતી. જો કે, આજે પણ મેઘરાજાએ અનરાધાર સવારી ચાલુ રાખી છે.