મેરાન્યૂઝ નેટવર્ક, ગીર-સોમનાથ: ઉના સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ ભારે વરસાદને કારણે થયેલી તારાજીને પગલે હજારો ઘરોમાં ચૂલા સળગ્યા નથી. અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો આવા અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઉનાના માણેકપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પુરગ્રસ્તોની સહાય માટે ચાલતા રસોડામાં તેમણે ખુદ તાવડા પર બેસી ભજીયા બનાવીને ગ્રામજનોને ખવડાવ્યા હતાં. 


આ ઉપરાંત માણેકપુર ગામ જતો રસ્તો સંપૂર્ણ ધોવાઇ  જતા ગામ સંપર્કવિહોણું બન્યું હતું. રસ્તા પરનો પુલ જર્જરીત બની ગયો હોવા છતાં તેઓ પાણીમાં ચાલીને જર્જરીત પુલ પરથી આ ગામમાં પહોંચ્યા હતા. ધાનાણીએ આ ગામના લોકો અને ખેડૂતોની મુલાકાત લઈ જરૂરી સહાય આપવાની ખાતરી આપી હતી. બાદમાં તેઓ માણેકપુરથી ખત્રીવાડા જવા નિકળ્યા હતા. જ્યાં પૂરના પાણીમાં તણાઇને આવેલા બાવળો રસ્તા પરથી ખસેડી રસ્તા પણ સાફ કર્યા હતા.