મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટઃ રાજકોટમાં મોરારીબાપુ એક યુવાનના એક્ટિવા પાછળ બેસીને નીકળતા લોકોમાં ભારે અચરજ થવા પામ્યું હતું. બાપુની આ સવારીને જોવા લોકો પણ ટોળે વળ્યાં હતા.તો કેટલાક યુવાનો બાપુની આ સવારીનું મોબાઈલ શૂટિંગ કરવા માટે છેક સુધી બાઇક પર બાપુ સાથે રહ્યા હતા.

લાખો ભક્તમેદની ધરાવતા જાણીતા કથાકાર મોરારીબાપુ સોમવારે રાજકોટમાં આવેલા. રાજકોટમાં એક દૈનિક અખબાર દ્વારા યોજાયેલ સાહિત્ય કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મોરારીબાપુ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પતાવ્યા બાદ મોરારીબાપુ તેમના નિકટના  ભક્ત અને ઉધોગપતિ જયંતિભાઈ ચંદ્રાના નિવાસસ્થાને જવાના હતા. બાપુએ કોઈ કારણસર રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામિ ઑડિટોરિયમથી જન કલ્યાણ સોસાયટી સુધીની સફર એક્ટિવમાં કરવાનું પસંદ કર્યું હતું અને બાપુ પોતાની કાર છોડીને જયંતિભાઈના ભત્રીજાની એક્ટિવા પાછળ બેસી ગયા હતા. સામન્ય રીતે લોકો મોરારીબાપુ વ્યાસપીઠ પર બેસેલા જ જોતા હોય છે. ત્યારે એક્ટિવા પર બેસેલા મોરારીબાપુને જોતા લોકોમાં આનંદ અને આશ્વર્યનું મોજું ફેલાઈ ગયું હતું.