મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના વોર્ડ નંબર 13ના કોંગ્રેસ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા પોતાના મત વિસ્તારમાં આવતી 6 જેટલી આંગણવાડીમાં ઓચિંતું ચેકિંગ કરાયું હતું. દરમિયાન બાળકોને આપવામાં આવતા નાસ્તામાં જીવાતો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. આ ઉપરાંત ઠેર-ઠેર ખુલ્લા વીજ વાયરો વચ્ચે નાના ભૂલકાઓ રમતા જોવા મળતા તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે.

બાળકોને આપવામાં આવતા નાસ્તામાં ધનેડા સહિતની જીવાતો વાળી દાળ, પાણી અને લોટથી બનાવેલો શીરો હતો. તેમજ કેટલીક જગ્યાઓ પર ખુલ્લા વીજવાયરો જોવા મળ્યા હતા. એટલું જ નહીં પીવાના પાણીના ટાંકાઓ પણ વર્ષોથી સફાઈ ન થવાને કારણે દુર્ગંધ મારતા જોવાયા હતા. પશુ પણ ન ખાઇ શકે તેટલી હલકી ગુણવતા વાળો નાસ્તો આપી માસૂમ ભૂલકાઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવતા હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ઉલ્લેખનીય છે કે, મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવતા હોય છે. અને શહેરીજનોના આરોગ્ય સાથે થતાં ચેડાંને અટકાવવાના મોટા દાવાઓ કરાય છે. ત્યારે આંગણવાડીઓમાં આવતા આ નાના ભૂલકાઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થતાં ચેડાં પર આરોગ્ય વિભાગની નજર ક્યારે પડશે તે જોવું રહ્યું.