મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર આજે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં હોન્ડા સિટી કાર (GJ 3 HK 2544) બેકાબુ બનતા અફરાતફરી મચી ગઈ હતી. અગમ્ય કારણોસર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બે બાઈક ચાલકોને હડફેટે લીધા હતા. ત્યારબાદ આ બેકાબુ કાર પેટ્રોલપંપમાં ઘુસી જતા નાસભાગ મચી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ પેટ્રોલપંપ સહિત બંને બાઈકમાં મોટી નુકસાની થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેકાબુ બનેલી હોન્ડા સિટી કાર અચાનક પેટ્રોલપંપમાં ધસી આવે છે અને પેટ્રોલ ભરવાના ફ્યુઅલ મીટર સાથે અથડાતા ફ્યુઅલ મીટર ઉખાડી નાખે છે તથા આ ટક્કરમાં એક લોડિંગ રિક્ષા પણ ઉથલી પડે છે. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા દોડી ગયેલી પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ કારનો ચાલક દિલ્હીનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે.