મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ગત તારીખ 19ના રોજ વાંકાનેરના પ્રસિધ્ધ અને ઐતિહાસિક ધરોહર સમા રણજીતવિલાસ પેલેસમાં ચોરીની ઘટના સામે આવી હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદમાં ચાંદીની ખુરશી, તોપ, ઘર, પક્ષી અને એવોર્ડ સહિતની રજવાડી ચીજ-વસ્તુઓ મળીને અંદાજે રૂપિયા 7-8 લાખની ચોરી થયાનું સામે આવ્યું હતું. જો કે યુવરાજના તાજેતરના નિવેદન મુજબ રણજીત વિલાસ પેલેસમાં થયેલ આ ચોરીનો આંકડો 34 લાખ થયો છે. તેમજ આ ચોરી અંગેની સચોટ બાતમી આપનારને રૂપિયા 5 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે.

રાજવી પરિવારના આ પેલેસમાં ચોરીની જાણ થતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વાંકાનેર સીટી પીઆઈ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પરંતુ આજે બે દિવસ બાદ પણ ચોર અંગેના કોઈ સગડ ન મળતા મોડલ સ્ટેટ ગુજરાતમાં રાજવી પરિવારનો પેલેસ પણ સુરક્ષિત રહ્યો નથી. તો સામાન્ય લોકો કેટલા સુરક્ષિત ? જેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. ત્યારે વાંકાનેર સ્ટેટના યુવરાજ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા ચોરને ઝડપી લેવા રૂપિયા 5 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ બાતમી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવનાર હોવાનું જણાવાયું છે.

જાણો રાજવી પેલેસમાંથી કઈ-કઈ વસ્તુઓની થઈ હતી ચોરી

ગત તા. 16-19 દરમિયાન રણજીતવિલાસ પેલેસની ગેલેરીની બારીનો કાચ તોડી તસ્કરો પ્રવેશ્યા હતા. અને પેલેસમાં રહેલી રાજવી પરિવારની ચાંદીની કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરી હતી. જેમાં પિયાનો રૂમમાં રાખેલી રાજાશાહી સમયની ખુરશી નંગ-2 વજન આશરે 60 કિલો, તથા માર્બલ ગોલ્ડ પ્લેટેડ વિક્ટોરિયન ક્લોક, અને દરબાર હોલમાં રાખેલી મુંબઇ ખાતેના વાંકાનેર હાઉસની ચાંદીની પ્રતિકૃતિ વજન આશરે 25 કિલો, તેમજ ચાંદીનું નાનું ઘર, તોપ, નારીનું સ્ટેચ્યું કુલ વજન 4 કિલો, ઉપરાંત ચાંદીના પલંગના 4 પોલ, ચાંદીની ફ્રેમ વજન 10-15 કિલો સહિત રાજાનું સ્ટેચ્યું, પિતળનો ઘોડો, એવોર્ડ જેવી રાજાશાહી સમયની અનમોલ ચીજ-વસ્તુઓની ચોરી થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.