મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગઈકાલે શનિવાર બપોર બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને લઈને લોકોએ ભારે ગરમીમાંથી રાહત મેળવી હતી. સમગ્ર વાતાવરણમાં ઠંડક ફરી વળી હતી. પરંતુ વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામે વીજળી પડી હતી. વીજળીના આ જોરદાર કડાકાથી અભાગી પીપળીયા ગામમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું અને ગામના પાદરમાં વરસાદની મોજ માણતા બે મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

૧૭ વર્ષીય પુષ્પરાજસિંહ રઘુભા જાડેજા અને તેનો 18 વર્ષનો મિત્ર વિશ્વરાજસિંહ જગુભા જાડેજા ગામના પાદરમાં બેસી વરસાદની મોજ માણી રહ્યા હતા. અચાનક કડાકા સાથે વીજળી તૂટી પડી હતી. વીજળી પડતાં જ બંને યુવક બેભાન થઈને ઢળી પડ્યા હતા. બંને યુવકો પર વીજળી પડતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને બંને યુવકોને તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે બંનેને સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ થયા હતા. ઘટનાને પગલે નાના એવા ગામમાં શોકનો માહોલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મળતી માહિતી પ્રમાણે બંને કિશોર ધોરણ 12માં અભ્યાસ કરતા હતા.