મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકા માળોદ અને વાધેલા ગામ વચ્ચે ત્રણ દિવસ પહેલા જ ગાબડું પુરવામાં આવ્યું છે ત્યારે ફરી એકવાર કેનાલમાં ઓલરફ્લો થતા કેનાલમાં ભંગાણ અને માટીનું ધોવાણ થયું હતું. ફરી એકવાર આગળના ખેડૂતોને પાણી મળવામાં વિલંબ થશે. સ્થાનિક ખેડૂત દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રીના સમયે એક સાઈડ કેનાલ પર પાણી ઓછું જાય તે માટે કોઈએ પાટીયુ મુકી દીધું હતું. ત્યારે સમયસર પાટીયુ ખસેડવામાં ન આવ્યું હોત તો કેનાલમાં મોટા ગાબડા અને ખેડૂતોને મોટું નુકશાન થઈ શક્યું હોત.

આ બાબતે નર્મદા માઈનોર કેનાલના અધિકારી પાર્થ અગ્રવાતને પુછતા જણાવ્યું હતું કે,  પાણી કેનાલમાં બધાને મળે જ છે છતાં કોઈક શખ્સો દ્વારા દરવાજા નજીક પાટીયુ મુકી દેતા કેનાલ ઓવરફ્લોની ઘટના બની છે. 1 કલાક જેટલુ પાણી વહી ગયુ હતું. પરંતુ કોઈ મોટું ગાબડુ પડ્યુ નથી અને અમને જાણ થતા પાણી બંધ કરવામાં આવ્યું હતું. જે શખ્સો દ્વારા પાણી આડૂ પાટીયુ મુકવામાં આવ્યું છે તેના વિરુદ્ધ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલાવાડમાં કેનાલમાં ગાબડું પડવાના અને અસામાજિક તત્વો દ્વારા કેનાલ ઓવરફ્લો કરવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓની સાંઠગાંઠથી જ અસામાજિક તત્વો આવી પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની વાતો ગ્રામ્ય પંથકના ખેડૂતોના મોઢે જોવા મળી હતી.