મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનો વિડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કુંવરજીએ જિલ્લા પંચાયતના સભ્યો તોડ્યા હોવાનો આક્ષેપ કરે છે. તેમજ સભ્યો માત્ર 5-10 લાખમાં માની જતા હોવાનું જણાવે છે. અને જેતપુર-ઉપલેટામાં પૂરતી કિંમત 25 લાખ આપી જિલ્લા પંચાયતના સભ્યો ખરીદ્યા હોવાનું પણ જણાવી રહ્યા છે. ઉપરાંત કોળી સમાજના કોઈપણ વ્યક્તિને બાવળીયાએ ક્યારેય મદદ ન કરી હોવાનો સણસણતો આક્ષેપ નાકિયા કરી રહ્યા છે.

આ વીડિયો અંગે મેરાન્યૂઝ સાથેની વાતચીતમાં અવસર નાકિયાએ કહ્યું હતું કે, આ કોઈ જૂનો વીડિયો છે. અને ચૂંટણીને કારણે હાલ વાઈરલ કરવામાં આવ્યો છે. પણ સભ્યો ગયા હોય તો કંઈક તો લીધું હોય એમ જ તો ન ગયા હોય... જ્યારે કુંવરજીએ જણાવ્યું હતું કે, તમામ પાયાવિહોણા આક્ષેપ છે. અવસર આવું સાબિત કરી દે એટેલે જાહેર જીવન છોડી દઇશ. તેને ગામમાં કોઇ ઓળખતું નથી એટલે આવું કર્યા કરશે. જો કે સૂત્રોનું માનીએ તો આ વીડિયો કુંવરજીએ પક્ષપલટો કર્યો ત્યારનો છે. અને હાલ પેટાચૂંટણીને લઈને વાઈરલ કરવામાં આવ્યો છે.

કુંવરજી માટે જસદણ સ્ટેટના રાણીસાહેબે બેઠક યોજી

કુંવરજી માટે ક્ષત્રિય જસદણ સ્ટેટના રાણીસાહેબ દ્વારા એક સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. જેમાં બહેનોને વધુ સક્ષમ બનવા રાણી સાહેબે હાંકલ કરી હતી. આ સ્નેહમિલનમાં રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી રમાબેન મકવાણા સહિત બાવળીયાની પુત્રી ભાવનાબેન હાજર રહ્યા હતા. દરમિયાન કુંવરજીને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.  અને ભાજપ તરફી મતદાન કરી સ્ત્રી સશક્તિકરણની તાકાત બતાવી દેવા રાણીસાહેબે હાકલ કરી હતી.

જાણો પ્રથમ સપ્તાહે કોણે કેટલો ખર્ચ કર્યો

જસદણ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારે દર સપ્તાહે ખર્ચ જાહેર કરવાનો હોય છે. જેમાં કુંવરજીએ રૂ. 1,15,200 અને કોંગ્રેસના નાકિયાએ રૂ. 1,08,000 નો તેમજ ભાજપ પક્ષ દ્વારા રૂ. 6,54,146 ખર્ચ કર્યાનું જાહેર કરાયું હતું. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ખર્ચની વિગત જાહેર કરવામાં આવી નથી. આગામી 11,14 અને 18 ડિસેમ્બરના રોજ ખર્ચ અને હિસાબો રજૂ કરવામાં આવશે અને ચૂંટણીના નોડેલ ઓફિસર દ્વારા ખર્ચની વિગતોનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવશે.