પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): દેશના વડાપ્રધાન અને કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી પાસે તેમને દેશની તમામ સમસ્યા અને તેના ઈતિહાસની ખબર હોય તે જરૂરી નથી, પણ જ્યારે મુખ્યમંત્રી જેવા પદ ઉપર બેઠેલી વ્યકિત કોઈ પણ પ્રકારની રાજકિય ટીપ્પણી કરે  તે પહેલા તેમની રીસર્ચ ટીમ પાસેથી વિષયની પુરી જાણકારી લઈ લેવાની જરૂર હોય છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ઘાનાણીએ મધ્યપ્રદેશના ઈન્દીરા સાગર ડેમ સામે નર્મદા બચાવ આંદોલનકારી મેધા પાટકારનો આભાર માનતા કહ્યું હતું કે ઈન્દીરા સાગર ડેમની ઉંચાઈ મેધા પાટકરને કારણે ઓછી થઈ છે, જેના કારણે  ઈન્દીરા સાગરમાં આવતુ નર્મદાનું પાણી ગુજરાતને મળી શકે છે, પણ ધાનાણીને નિવેદનને  તોડી મરોડી વિજય રૂપાણીએ ટીકા કરી કે કોંગ્રેસ નર્મદા વિરોધી અને મેધા પાટકર તરફી છે.

નર્મદા યોજનાનો ઈતિહાસ અને તેની પાછળ રમાયેલા રાજકારણ ઉપર એક નવલકથા લખી શકાય તેમ છે. જાણિતા નવલકથાકાર અશ્વીની ભટ્ટ નર્મદાના વિષય ઉપર જળ પ્રપંચ નામની નવલકથા લખવા માગતા હતા, પણ કમનસીબી તેમણે તે દિશામાં લખવાનું શરૂ કર્યું અને હ્રદયની બીમારીને કારણે તેમનું અવસાન થતાં જળ પ્રપંચ અધુરી રહી ગઈ. ગુજરાતને નર્મદાનું પાણી મળવુ જોઈએ તેવું દરેક ગુજરાતી માને છે, બીજી નર્મદા સામે આંદોલન ચલાવતા મેધા પાટકર અને સ્વ બાબા આમટે પાસે નર્મદા ડેમની ઉંચાઈ ઓછી કેમ હોવી જોઈએ તેનો પોતાનો તર્ક હતો, પણ અત્યારે નર્મદા તરફી અથવા નર્મદા વિરોધીઓમાં કોણ સાચુ તેની ચર્ચામાં પડતા નથી.

નર્મદા માટે ગુજરાતમાં થયેલા જનઆંદોનની વાત છે. નર્મદા ડેમને કારણે મધ્યપ્રદેશના લાખો આદિવાસીઓની જમીન ડુબમાં જઈ રહી હતી, જેમની જમીન અને ઘર હતા તેઓ પોતાની જમીન આપવા તૈયાર ન્હોતા, પણ નર્મદા યોજના સામે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 1991માં  ગુપ્ત મિટિંગો  શરૂ થઈ હતી, જેની ગુજરાત સરકારને ગંધ સુધ્ધા આવી ન્હોતી, પરંતુ અમદાવાદથી પ્રસિધ્ધ થતાં ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના ગુજરાતી અખબારના પત્રકાર પ્રવિણ ઘમંડે કાર્યકરના વેશમાં મધ્યપ્રદેશ અને  મુંબઈમાં થઈ રહેલી મિટિંગોમાં ગયા, તેમણે નર્મદા સામે કઈ રીતે આંદોલન થશે અને નર્મદા બચાવો આંદોલનકારીઓની શું યોજના છે, તેની ગુપ્ત રાહે જાણકારી મેળવી અને પાછા આવી તેમણે અખબારમાં ક્રમબંધ આખી  ઘટનાનું રિપોર્ટીંગ કર્યું.

ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના ગુજરાતી પત્રકાર ઘમંડેની સ્ટોરીએ ગુજરાત સરકાર અને ગુજરાતીઓને હચમચાવી નાખ્યા હતા. તંત્ર જાગી ગયું, નર્મદા યોજના માટે અલગ અલાયદુ નિગમ હોવું જોઈએ તેવું 1989માં તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌઘરીને લાગ્યું હતું, પણ આ નિગમના અધ્યક્ષ પ્રમાણિકની સાથે અભ્યાસુ હોય તે જરૂરી હતું. બહુ ચર્ચા પછી તેમણે એક નામ પસંદ કર્યું તે નામ હતું સનત મહેતા અને તેમની અધ્યક્ષ તરીકે વરણી થઈ હતી, જો કે 1990માં કોંગ્રેસની હાર થઈ અને જનતા દળ ગુજરાત અને ભાજપની સંયુકત સરકાર બની, આમ છતાં મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલે કોંગ્રેસી ચેરમેન સનત મહેતાને નર્મદા નિગમના ચેરમેન તરીકે યથાવત રાખ્યા હતા, કારણ ચિમનભાઈ પટેલને ખબર હતી કે સનત મહેતા કોંગ્રેસી હોવા છતાં નિગમને નર્મદા આટલી ચિંતા અને અભ્યાસ કરનાર અધ્યક્ષ મળે તેમ ન્હોતા.

1991માં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સામે આંદોલન શરૂ થઈ રહ્યું છે તેવી જાણકારી મળતા ચિમનાભઈ પટેલે સર્વપક્ષીય મિંટિગ બોલાવી હતી, ત્યાંરે જનતાદળની સરકારમાંથી ભાજપ છુટુ પડી ગયું હતું અને કોંગ્રેસના ટેકાથી સરકાર ચાલી રહી હતી, પણ નર્મદાનો મુદ્દો કોઈ પક્ષનો નથી તે સમગ્ર રાજ્યનો છે તેવું માનતા ચિમનભાઈ પટેલે જનતાદલ, કોંગ્રેસ અને ભાજપ સહિત તમામ સામાજીક સંગઠનોની બેઠક બોલાવી હતી અને તેમણે કહ્યું હતું કે આપણે સાથે મળી લડી લેવું પડશે. નર્મદા બચાવો આંદોલનકારીઓ મધ્યપ્રદેશ થઈ છોટાઉદેપુર પાસે ફેરકુવા ગામથી ગુજરાતમાં પ્રવેશ કરવાના હતા, ચિમનભાઈ પટેલના પત્ની ઉર્મિલાબહેન પટેલે આ જનઆંદોલનની  નેતાગીરી લેવાની જાહેરાંત ફેરકુવા ખાતે ઉપવાસ શરૂ કરી દીધા હતા, સાવ વેરાન અને પછાત વિસ્તારમાં ગુજરાતના તમામ પક્ષના નેતાઓ અને હજારોની સંખ્યામાં ગુજરાતીઓ નર્મદા બચાવ આંદોલનકારીઓને વિરોધ કરવા પહોંચી ગયા હતા.

આ આખુ આંદોલન સ્વંય ભુ અને તમામ પક્ષો અને ગુજરાતની પ્રજાનું હતું, તેમાં કોંગ્રેસ અને ભાજપ પણ સાથે મળી લડતા હતા. ભાજપના નેતા અશોક ભટ્ટે તો ફેરકુવા કેમ્પ કર્યો હતો. દસ દિવસ સુધી ચાલેલા આંદોલનમાં જોડાવા ગુજરાતમાંથી  હજારો લોકો આવી રહ્યા હતા, આ હજારો લોકો માટે પીવાના પાણી અને જમવાની  વ્યવસ્થા સ્વામિનારાય સાધુઓ કરતા હતા. દસ દિવસ બાદ જ્યારે બાબા આમ્ટે અને મેધા પાટકરે ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ આંદોલન પછી ચિમનાભઈ પટેલ અને કોંગ્રેસે દાવો કર્યો ન્હોતો કે તેમને નર્મદાના આંદોલનકારીઓને માત આપી હતી, કારણ આ લડાઈ ગુજરાતીઓની અને ગુજરાત માટેની હતી. તેમાં બધા જ સહયોગી હતા.

નર્મદા યોજના હમણાં જ્યાં સુધી પહોંચી ત્યા સુધી તેને પહોંચાડવામાં કોંગ્રેસના રાજ્ય અને દેશના નેતાઓએ ઘણું કામ કર્યું છે, પણ રાજ્યના અને દેશના શાસનકર્તાઓએ દેશ માટે સારૂ કરવાનું જ હોય છે. જો કે કોંગ્રેસ ક્યાંક વિલંબ પણ જરૂર કર્યો છે. છેલ્લાં બાવીસ વર્ષથી ભાજપ સત્તા સ્થાને છે, ભાજપે  તેમના હિસ્સાનું પણ કામ કર્યું છે, પણ કોંગ્રેસે કઈ જ કર્યું નથી એ કોંગ્રેસ નર્મદા વિરોધી છે તેવી રાજકીય ટીપ્પણી કરતા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે વખત વિચાર કરવાની જરૂર હતી. આટલા વર્ષે કોંગ્રેસને કારણે નર્મદા ડેમ ઉપર દરવાજા લાગ્યા નહીં તેવો આરોપ ભાજપના નેતાઓ કોંગ્રેસ ઉપર મુકી રહ્યા છે, સામાન્ય માણસને આરોપની ઉંડાઈ સમજાતી નથી, પણ વિજય રૂપાણી સામાન્ય ગણિત સમજાવે છે ભાજપ અને નરેન્દ્ર મોદીના કારણે ડેમ ઉપર દરવાજા લાગ્યા તે સારી વાત છે, પણ દરવાજા લાગ્યા પછી ડેમમાં પાણી વધવુ જોઈતું હતું, તેના બદલે દરવાજા લાગ્યા અને પાણી ઘટી ગયું, અને આજે અડધા ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ દુષ્કાળ જેવી સ્થિતિ છે. 

દેશની કેટલીક સમસ્યા અને તેના ઉકેલ માટે થયેલા પ્રયાસો સામુહિક હોય છે તેની ઉપર ભાજપ અથવા કોંગ્રેસ પોતાનો સીક્કો મારી શકે નહીં, કારણ તેમના સામુહીક પ્રયાસમાં પ્રજાનું પણ મોટું યોગદાન હોય છે. સવાલ હાલ પાણીનો છે વિજય રુપાણી કોંગ્રેસને ગાળ આપવાથી ગુજરાતની પ્રજા, પશું અને ભઠ્ઠી થઈ ગયેલી જમીનને પાણી મળતુ હોય તો કોંગ્રેસને ગાળો નહીં ગોળીએ મારો, પણ સવાલ અત્યારે ગાળો બોલવાનો નહીં, પાણી કઈ રીતે મળી શકે તેની વ્યવસ્થા ઊભી કરવાનો છે.

નમામી દેવી નર્મદે..