મેરાન્યૂઝ નેટવર્ક, લંડન: ભારતીય વિવિધ બેંક્સ સાથે લોન લીધા બાદ હપ્તા ન ભરી છેતરપીંડી કરી લંડન ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યાને ભારત પ્રત્યર્પિત કરવા માટે લંડનની કોર્ટે આજે મંજૂરી આપી દીધી છે. અગુષ્ટા વેસ્ટલેન્ડ કેસમાં કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને દુબઇથી ભારત પ્રત્યર્પિત કર્યાના થોડા દિવસોમાં જ હવે મોદી સરકાર માટે રાહતના અહેવાલ છે.

લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં જજ એમ્મા અર્બથનૉટએ આ ચુકાદો આપ્યો હતો. સીબીઆઇ કોર્ટે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. હવે વિજય માલ્યાને પ્રત્યર્પિત કરવા મામલે સેક્રેટરી ઑફ સ્ટેટ પાસે મોકલવામાં આવ્યો છે. કિંગફિશરના માલિક 62 વર્ષિય વિજય માલ્યા પર બેંકો પાસેથી લોન લઇ લગભગ 9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આક્ષેપ છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં પ્રત્યર્પણ વોરંટ પર ધરપકડ બાદથી વિજય માલ્યા જામીન પર છે. વિજય માલ્યાએ તાજેતરમાં જ કહ્યું હતું કે તે બેંક લોનની મુડી ભરવા તૈયાર છે. પરંતુ તેનું વ્યાજ ભરપાઇ કરી શકે તેમ નથી.  

અત્રે ઉલ્લેખનીય છે કે  વિજય માલ્યાને ભારત લાવવામાં આવ્યા બાદ મુંબઇની આર્થર રોડ જેલમાં એક ઉચ્ચ સુરક્ષાવાળી બેરેકમાં રાખવામાં આવશે. અહીં સીસીટીવી કેમેરા તથા ડોક્ટરની ટીમ પણ તૈનાત રહેશે. મુંબઇ પર 26/11 હુમલાના દોષિત અને ફાંસી આપવામાં આવેલ આતંકી અજમલ કસાબને પણ આ જેલમાં રાખવામાં આવ્યો હતો.