મેરાન્યૂઝ નેટવર્ક, લંડન: ભારતની બેંકોમાંથી 9 હજાર કરોડ રૂપિયાની લોન લઇ વિદેશ ભાગી ગયેલા લિકરકિંગ વિજય માલ્યા હવે ત્રીજા લગ્ન કરવા જઇ રહ્યા છે. 62 વર્ષની ઉંમરમાં ત્રીજા લગ્ન કરવા જઇ રહેલા વિજય માલ્યાની પત્ની બનશે તેમની ગર્લફ્રેંડ પિંકી લાલવાની.

પિંકી લાલવાની વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સમાં એરહોસ્ટેસ રહી ચુકી છે. પિંકી અને વિજય માલ્યાની મુલાકાત વર્ષ 2011માં થઇ હતી અને માલ્યાએ તેને પોતાની એરલાઇન્સમાં નોકરીની ઑફર કરી હતી. કિંગફિશર એરલાઇન્સમાં આવ્યા બાદ પિંકી અને માલ્યા વચ્ચે સંબંધો વધુ ગાઢ બન્યા હતા. બંને મોટાભાગે સાથે દેખાતા રહે છે. અહેવાલો તો એવા પણ છે કે બંને ઘણા સમયથી લિવ ઇન રિલેશનશીપમાં છે. માલ્યા અત્યારે લંડનમાં પ્રત્યર્પણ કેસનો સામનો કરી રહ્યા છે અને પિંકી તેમની સાથે કોર્ટમાં હાજર રહેતી હતી.

માલ્યાના પ્રથમ લગ્ન 1986માં સમીરા તયાબજી સાથે થયા હતા અને તે પણ એરહોસ્ટેસ હતી. ત્યાર બાદ 1993માં તેમણે રેખા માલ્યા સાથે લગ્ન કર્યા હતા અને હાલ પણ રેખા કાયદેસર તેમની પત્ની છે, માલ્યા હવે પિંકી સાથે ત્રીજા લગ્ન કરશે. પ્રથમ બે લગ્નથી માલ્યાને ત્રણ સંતાન છે, પુત્રનું નામ સિદ્ધાર્થ અને લીના તથા તાન્યા તેમની પુત્રીઓ છે.