મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યાં જ સમગ્ર રાજ્યમાં તમામ પાર્ટીઓ ચૂંટણીનો પ્રચાર કરી રહી છે તો કેટલીક નેશનલ પાર્ટીએ પોતાના સ્ટાર નેતાનો સહારો લઇ જનતાને આકર્ષી રહી છે. મેઘરજ ખાતે સાબરકાંઠા લોકસભા ચૂંટણીને લઈ યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથે લઈ આકરા પ્રહારો કર્યા હતા અને આપણા ચોકીદાર ચોર નહીં સ્યોર છે, એક બાજુ ચોકીદાર છે બીજી બાજુ ચોરોની જમાત ભેગી થઈ હોવાનું જણાવ્યું હતું. રાહુલ બાબાને ખેડબ્રહ્માનું નામ પણ બોલતા નહીં આવડતું હોય તેવા તીખા વાકબાણ કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર દીપસિંહ રાઠોડનું નામ લેવાનું ભૂલી ગયા હતા. નરેન્દ્ર મોદી અને કમળના નિશાનને વોટ આપવા અપીલ કરતા ઉમેદવારનું નામ જ સભા દરમિયાન ન બોલતા લોકોમાં વિવિધ ચર્ચાઓ પેદા થઈ હતી.

આ સભા દરમિયાન તેમણે જાહેરમાં ઘણું બધું કહી દીધું હતું. મધ્યપ્રદેશના કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથ સાથે સાંકળયેલા લોકોના ૫૦ ઠેકાણે આઈ.ટી એ દરોડા પાડ્યા હતા. આ સંદર્ભે તેમમે કરેલી વાત એવું સાબિત કરશે કે, લોકસભાની ચૂંટણીમાં વૈમનસ્ય રાખી ભાજપના ઈશારે આવકવેરા વિભાગે દરોડા પાડી કરોડો રૂપિયા રોકડા અને બેનામી બિનહિસાબી સંપત્તિ મળી આવી. કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગના અધિકારીઓને કઠપૂતળી બનાવીને કોંગ્રેસ સામે ઉપયોગ કરી રહી હોવાનો સ્વિકાર કર્યો હતો. ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓએ કોંગ્રેસના આક્ષેપને ફગાવી દીધા હતા ત્યારે કોંગ્રેસના આક્ષેપને સાચા પુરવાર કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ચાર મહિનામાં મધ્યાહ્ન ભોજનમાં ગોટાળો કરી ૭૦૦ કરોડનું કૌભાંડ આચરતા ચોકીદારે રેડ પડાવી બધા લોકો પાસેથી રૂપિયા નીકળ્યા એટલે બૂમો પાડે છે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું. એટલે બધા ભેગા થઈ મોદી હટાવો મોદી હટાવોની બૂમો પાડે છે, મોદી વધુ ૫ વર્ષ રહેશે તો આ બધા કૌભાંડીઓને જેલ ભેગા કરી દેશે ચોકીદાર ચોર નહીં સ્યોર હોવાનું જણાવ્યું હતું.

મોદી સરકારની જનધન યોજના, આયુષ્માન યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, કિસાન નિધિ યોજના, ફસલ વીમા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સિદ્ધિઓ વર્ણવી હતી. કોંગ્રેસ ગરીબો, દલિતો, મુસ્લિમોના મતો મેળવવા ભાગલા પાડી રહી છે, ભાજપ રાષ્ટ્રવાદમાં માનતી પાર્ટી હોવાની સાથે કોઈ પણ સમાજ કે જાતિના દરેક વ્યક્તિના વિકાસમાં માનતી હોવાનું જણાવ્યું હતું. દેશનો કોઈ પણ ગરીબ વ્યક્તિ મોહન, માઈકલ, મોહહમદ કે પછી મનમોહનન સીંગ હોય તમામ લોકોને સરખો ન્યાય અને વિકાસ થશે તેમ કહી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ઠેકડી પણ ઉડાડવાનું ચુક્યા ન હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની યોજાયેલ સાબરકાંઠા લોકસભા બેઠક માટે મેઘરજમાં યોજાયેલ જાહેરસભામાં સભાને સંબોધનમાં ૧૫ મિનિટથી વધુ સમયમાં પ્રારંભથી અંત સુધી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર દીપસિંહ રાઠોડનું નામ લેવાનું ભૂલી ગયા કે પછી જાણી જોઈ નામ ના લીધું તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. તેમને સભામાં ઉપસ્થિત તમામ લોકોને કમળનું બટન દબાવવા અને એટલું જોરથી બટન દબાવવાનું કે ઈવીએમ મશીન પણ ગરમ થઇ જવું જોઈએ તેમ ભારપૂર્વક સભામાં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું.

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, 2014 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય છે કોંગ્રેસની નીતિઓનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે. તેનું ઉદાહરણ કાશ્મીરમાંથી બે વડાપ્રધાન હોવા જોઈએ તેવો અવાજ સંભળાઈ રહ્યો છે. જો નહેરુએ આઝાદી પછી કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ સરદાર પટેલને કરવા આપ્યો હોત તો આજે રાષ્ટ્રદ્રોહી તત્વોનો સફાયો થઈ ગયો હોત. હવે ૨૦૧૯માં કોઈ ભૂલ નહીં કરતા અને ફરીવાર મોદીને દેશનું સુકાન સોંપજો દેશમાં આર્થિક ક્ષેત્રે અને વિદેશમાં પણ પોતાની નીતિઓ દ્વારા જે રીતે નરેન્દ્ર મોદીએ શાસન ચલાવ્યું છે. કોંગ્રેસ દ્વારા ‘ચોકીદાર ચોર હૈ’ની કરાતી ટિપ્પણીને વડાપ્રધાનના અપમાન સમાન ગણાવી આ અપમાનનો જવાબ મતદાન દ્વારા આપવા હાકલ કરી હતી. અહીં વીડિયો દર્શાવાયો છે.