મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ કેન્દ્ર સરકારના ચોકીદાર શબ્દને લઈને હાલ દેશભરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે આ મુદ્દે હાર્દિક પટેલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈને હાર્દિક પટેલ બે દિવસથી જામનગરના પ્રવાસે છે. આજે બીજા દિવસે હાર્દિકે કોંગ્રેસી કાર્યકર્તાઓને સંબોધન કરી કોંગ્રેસને જીતાડવાની હાકલ કરી કેટલાક ખુલાસામાં પણ કર્યા હતા.

જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલ હાર્દિક પટેલ છેલ્લા બે દિવસથી જામનગરના પ્રવાસે છે. ગઈ કાલના પ્રવાસને આજે વિસ્તારી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના કોંગ્રેસી કાર્યકરો, જન પ્રતિનિધિઓ અને આગેવાનોને મળી તેમનું મનોબળ વધાર્યું હતું. હાર્દિકે પત્રકારો સાથેની વાતચીતમાં વડાપ્રધાનથી માંડી રાજ્ય સરકાર પર આક્રરા પ્રહારો કર્યા હતા. યુવાનોને રોજગારી, આરોગ્યની સારી સ્થિતિ, ખેડૂતોનું કલ્યાણ અને મોટાભાગનો સમય જામનગર બેઠક પર આપવાની નેમ સાથે હાર્દિકે જનતાનો સહકાર માંગ્યો છે. ચોકીદાર ચોકી કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા હોવાનો આક્ષેપ લગાવી વડાપ્રધાનની જેમ મને અહી ગંગા માતાએ નહીં પણ જનતાએ બોલાવયો હોવાનો ભાવ પણ રજુ કર્યો હતો. જનતાને વચનો નહીં પણ બનતી સુવિધા આપવાનો પ્રયાસ રહેશે એમ હાર્દિકે જણાવ્યું હતું. ભાજપ મુક્ત ભારત નહીં પણ વિપક્ષમાં બેસે એમ પટેલે ભાવ વ્યક્ત કરી વાજપેઈને યાદ કર્યા હતા. આ ઉપરાંત પોતાની પર થયેલા કેસમાં સરકાર પ્રસાસન જાણી જોઈ રોળા નાખતું હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે. હાર્દિક ચૂંટણી ન લડી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમ જણાવી હાર્દિકે ભાજપા કિન્નાખોરીની રાજનીતિ કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

બીજી તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન હાર્દિકે ચોકીદાર શબ્દને લઈને સ્થાનિક સરકાર પર પ્રહારો કર્યા હતા. ગઈ કાલે જ સુરતમાં એક માસુમ બાળકી પર બળાત્કાર થયો, રાજ્ય સરકારને એ ખબર નથી એ બાળકીને કેટલા ટાકા આવ્યા? ત્યારે આ સરકાર શેની ચોકીદાર ? એમ કહી ટોણો માર્યો હતો. ઉપરાંત સ્થાનક જાયન્ટ કંપનીઓ વિરોધ ન કરવાના બદલામાં પૈસા આપી હપ્તા સીસ્ટમ ચલાવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.