પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં થયેલી કથિત ગેંગ રેપની ઘટના બાદ પોલીસ આરોપીઓને છાવરી રહી છે તેવા આક્ષેપ અમદાવાદ પોલીસ ઉપર થયા હતા. આ ઘટના બાદ આરોપના દબાણ અને મીડિયા ટ્રાયલની પરવા કર્યા વગર અમદાવાદ પોલીસ કમિશનર અનુપકુમાર સિંગ જાતે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આવી ગયા હતા. સામાન્ય રીતે ગેંગ રેપની જેવી ગંભીર ઘટના બાદ પોલીસ પોતાની પ્રામાણિકતા અને કર્તવ્ય નિષ્ઠા બતાડવા માટે ફટાફટ આરોપીઓને પકડી જાણે મીર માર્યો હોય તેવો વ્યવહાર કરે છે. આ કિસ્સામાં પણ પોલીસ આવુ જ કરશે તેવી રેપની ફરિયાદ કરનાર પીડિતા પણ માનતી હશે.

પરંતુ પીડિતાના આક્ષેપ બાદ પત્રકારોને જવાબ આપવા આવેલા કમિશનર અનુપકુમાર સિંગે કહ્યુ પીડિતાની ફરીયાદને સમર્થન કરે તેવા પુરાવા હજી તેમને હાથ લાગ્યા નથી. આ નિવેદનનો અર્થ સ્પષ્ટ હતો કે પીડિતા જે ફરીયાદ કરી રહી છે સંભવ છે કે તેવી કોઈ ઘટના જ પીડિતા સાથે ઘટી નથી. જો કે પોલીસ ઉપર આરોપ ના લાગે માટે પીડિતાએ આરોપી તરીકે જેમના નામનો ઉલ્લેખ કર્યો  હતો તેવા આરોપીને પકડવાની ઉતાવળ પોલીસે કરી નહીં. કદાચ આ હિમંત પોલીસ કમિશનરની મક્કમતાને કારણે આવી હશે. એક વખત જો પોલીસે ઉતાવળમાં આરોપીને પકડી લીધા હોત તો ટ્રાયલ વગર આ તમામ આરોપીઓ પાંચ-સાત વર્ષ જેલમાં રહેતા, કારણ સુપ્રીમ કોર્ટ સુધી એક પણ કોર્ટ ગેંગ રેપ જેવા કિસ્સામાં જામીન આપતી નહીં.

હાલમાં પીડિતાની ફરિયાદ અને પોલીસને મળેલા પુરાવા વચ્ચે કોઈ તાલમેલ નથી. ગેગરેપ તો ઠીક પણ સામાન્ય છેડછાડ થઈ હોય તેવા પુરાવા પણ નથી. અહિંયા પીડિતાએ પોલીસને કોઈ પુરાવા આપવાના નથી, ખુદ પોલીસે તપાસ કરી પુરાવા શોધવાના છે, પણ પોલીસને જે પુરાવા મળી રહ્યા છે તે પીડિતાના નિવેદન કરતા વિપરીત પુરાવા મળી રહ્યા છે. બહુ સાફ શબ્દોમાં કહીએ તો ગેંગરેપ થયો હોવાની વાત હવે પોલીસ પણ માનવા તૈયાર નથી. આમ છતાં પોલીસ આરોપીઓને ક્લિનચીટ આપવા પણ માગતી નથી. આ કેસના આરોપીઓ યામીની નાયર, વૃષભ મારુ  અને ગૌરવ દાલમીયાને નાર્કોટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે.

પોતાના નાર્કોટેસ્ટ કરવામાં આવે તેવી માગણી પણ આરોપીઓએ સામે ચાલી કરી છે. ગેગ રેપ જેવી ગંભીર ઘટનામાં પોલીસની સામે આરોપીઓ હોવા છતાં પોલીસ તેમને પકડતી નથી તેવી આ પહેલી ઘટના છે. આ આખા મામલામાં હમણાં સુધી પોલીસ ઉપર શંકા કરવાનું કોઈ કારણ નથી. ગુજરાત પોલીસમાં ઘણા  પ્રામાણિક આઈપીએસ અધિકારીઓ છે જેઓ ખોટુ કરતા નથી પણ જ્યારે તેમને સાચુ કરવાનું હોય છે ત્યારે સાચુ કરવાની હિંમત બહુ ઓછા અધિકારીઓ બતાડી શકતા હોય છે. ગેંગ રેપના મામલે પણ અમદાવાદ પોલીસ કમિશનર અનુપકુમાર સિંગે પણ આરોપીને પકડવામાં ઉતાવળ નહીં કરવાનો નિર્ણય કર્યો તે હિંમતનું કામ છે.

અનુપકુમાર સિંગ દ્વારા  રાજ્ય મહિલા આયોગને પણ પોતાનો એક અહેવાલ સોપવામાં આવ્યો છે. જેમા પીડિતાની ફરિયાદ ક્યાં વિરોધાભાસી છે અને પોલીસને મળેલા પુરાવા કઈ રીતે ફરિયાદના સાથે તાલમેલ ધરાવતા નથી તે બહુ જ સ્પષ્ટ છે. બળાત્કાર કાયમ નીંદનીય અને કડક સજાને પાત્ર છે પણ આ પ્રકારના ગંભીર ગુનામાં ગુનેગાર ઠરતા પહેલા જ તેને દોષિત માની લેવાની ભુલ પોલીસ અને સમાજે કરવાની જરૂર નથી કારણ દરેક વખતે દેખાય છે તે બધુ જ સાચુ પણ હોતુ નથી. ક્યારેક સત્યના જન્મ માટે પણ સમયનો ઈંતઝાર કરવો પડતો હોય છે.