મેરાન્યૂઝ નેટવર્ક.વેરાવળઃ વેરાવળમાં ગત મોડી રાત્રીના એક કાર ચાલકે બેફીકરાઇથી હુન્‍દાઇ કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લઇ ઉડાડયા બાદ કાર નજીકમાં આવેલ સોનાના શોરૂમમાં ઘુસી ગયાની હીટ એન્‍ડ રનની ઘટના બની છે. પોલીસે ઘટના અંગે ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે. આ ઘટના જો દિવસમાં બની હોત તો મોટી જાનહાનિ સર્જાય હોવાની લોકોમાં ચર્ચા થતી હતી. તો શહેરમાં ઘુમ સ્‍ટાઇલથી કાર અને સ્‍પોર્ટસ બાઇક ચલાવતા શખ્‍સો સામે પોલીસની ઢીલીનીતિના લીઘે હીટ એન્‍ડ રનની ઘટના બની હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.

વેરાવળની મુખ્‍યબજાર એવી સટાબજારમાં ગતરાત્રીના 11 વાગ્‍યા આસપાસ ઉબેદ શેખજી નામનો શખ્‍સ સફેદ કલરની હુન્‍દાઇ વરના કાર નં.જી જે 23 એમ 3776 લઇ પોતાની દુકાનેથી બહાર જઇ રહેલ તે સમયે હવેલીચોક પાસે ચાલક એક રાહદારની બચાવા પુરઝડપે કારનો કાવો મારવેલ તે સમયે સ્‍ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર વિરૂઘ્‍ઘ દિશામાં પુરપાટ ઘસી ગયેલ જેમાં કિશાર કાગડા અને એક ભીક્ષુક જેવા શખ્‍સને અડેફેટે લઇ કાર સામેની વિરૂઘ્‍ઘ દિશા તરફ તપેશ્વર મંદિરની ગલીના કોર્નરમાં આવેલ મનુભાઇ જવેલર્સ નામના શોરૂમની ફુટપાથ પર ચડી ગ્રીલ-શટર તોડી અંદર ઘુસી ગયાની ઘટના બની હતી. એકાએક બનેલ હીટ એન્‍ડ રનની ઘટનાથી તે સમયે ત્‍યાં હાજર અન્‍ય રાહદારી લોકો એકત્ર થઇ ઇજાગ્રસ્‍ત બે રાહદારીઓને ઇજાઓ સાથે સારવાર અર્થે સરકારી હોસ્‍પીટલમાં ખસેડેલ હતા. જ્યારે આ ઘટના બાદ કારચાલક ઉબેદ પણ સ્‍થળ પરથી નાસી ગયેલ હતો. જો કે, આ હીટ એન્‍ડ રનની ઘટના અંગે ઇજાગ્રસ્‍ત કીશોર કાગડાએ કાર ચાલક સામે જયારે કાર ચાલક ઉબેદ શેખજીએ ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ તેને માર મારી અપશબ્‍દો ભાંડયા હોવાની ફરીયાદ આપતા પોલીસે બંન્‍ને ફરીયાદો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે. આ ઘટના બનતા તે સમયે સ્‍થળ પર અકસ્‍માતનું ર્દશ્‍ય નિહાળવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

અત્રે નોંઘનીય છે કે, વેરાવળમાં બેફીકરાઇ ઘુમસ્‍ટાઇલથી કાર અને બાઇક હંકારતા શખ્‍સોને કાયદા કે પોલીસનો ડર ન હોય તેવી સ્‍થ‍િતિ સર્વત્ર જોવા મળે છે. તો ઘણા કીસ્‍સામાં હીટ એન્‍ડ રન જેવી ઘટનાને પણ પોલીસ તંત્ર ગંભીરતાથી ન લેતુ હોવાથી શહેરમાં રાહદારીઅો પર એક પ્રકારનું અર્દશ્‍ય જોખમ કાયમી મંડરાતો હોવાનો માહોલ પ્રર્વતેલ છે. અાજની રાત્રીના બનેલ ઘટના દિવસના સમયગાળા દરમ્‍યાન બની હોત તો મોટી જાનહાનિ થાત હોવાનું શહેરીજનોમાં ચર્ચાય રહેલ છે. તો બીજી તરફ શહેરમાં ઘુમ સ્‍ટાઇલથી કાર-બાઇક ચલાવતા શખ્‍સો સામે ખાસ મુહિમ ચલાવવાની જરૂર હોવાનું લોકોમાં ચર્ચાય રહેલ છે.