મેરાન્યૂઝ નેટવર્ક, વલસાડ: બીલીમોરાના રાણા પરિવારમાં પુત્રનાં લગ્નની ખુશી થોડા સમયમાં જ માતમમાં ફેરવાઈ ગઈ હતી. પારડી ખાતે લગ્ન કરીને શણગારેલી કારમાં વરરાજા અને નવવધૂ પરત ફરી રહ્યા હતા. ત્યારે આજે પરોઢિયા પહેલા એક ટ્રક સાથે જીવલેણ અકસ્માત થયો હતો. વલસાડના વાગલધરા ગામ નજીક થયેલા આ અકસ્માતમાં નવવધૂ અને બે વર્ષની બાળકી સહિત ચાર વ્યક્તિના મોત નીપજયા હતા. આ ગમખ્વાર ઘટના બાદ નવવધૂના ઘરમાં પગલા પડી કરાયેલી અંતિમ ક્રિયામાં ઈજાગ્રસ્ત વરરાજા પણ જતા આક્રંદભર્યા વાતાવરણથી શોકભર્યો માહોલ છવાઈ ગયો હતો.

વલસાડ તાલુકાના વાગલધરા ગામ પાસે આજે પરોઢિયા પહેલા ૩.૩૦ કલાકે એક ટ્રક સાથે વરરાજાની કારનાં થયેલા અકસ્માતે સૌ કોઈના કાળજાં હચમચાવી દીધા છે. બીલીમોરાનો રાણા પરિવારમાં ગઈરાત્રે પારડીમાં દીકરાને પરણાવતા ખુશીનો માહોલ છવાયેલો હતો. પરંતુ થોડા સમય જ રહેલી આ ખુશીમાં નવવધૂ ઘરમાં જીવતી આવવાના બદલે તેના મૃતદેહનાં પગલાં પાડવા પડ્યા હતા. રાણા પરિવારના લગ્ન બાદ જાન પારડીથી પરત ફરી રહી હતી. જેમાં વરરાજાની શણગારેલી કાર ( જીજે-૨૧-એક્યુ-૮૨૨૦ ) વાગલધરા ગામ પાસે હોટલ પુરોહિત આગળથી પસાર થઇ રહી હતી. ત્યારે સામેથી પુરઝડપે આવેલી ટ્રક અથડાતા લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કારની આગળની સાઈડનો ફૂરચો વળી જતા નવવધૂ ચૈતાલી રાણા( ઉંમર ૨૭ વર્ષ) સહીત ચારના મોત નીપજ્યા હતા. જેમાં બે વર્ષીય પુષ્ટિ સુનીલ રાણા, ૭૫ વર્ષીય યશવંતીબેન રાણા અને ૭૫ વર્ષીય નિકુંજ જે. રાણાના મોત નીપજ્યાં હતા. જયારે વરરાજા ચિરાગ રાણા, ઇશા સુનીલ રાણા, મંજુ અરૂણ રાણા અને શોર્ય રાણાને ઈજાઓ પહોચી હતી. આ અકસ્માત થતા જ આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમને વલસાડની કસ્તુરબા હોસ્પીટલમાં ખસેડ્યા હતા. ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જવા છતાં સૌએ કાળજાં કઠણ કરીને બીલીમોરામાં નવવધૂના મૃતદેહને ઘરે લઇ જઈ પગલાં પડાવ્યા હતા. આ પછી જરૂરી વિધિ બાદ નીકળેલી અંતિમ ક્રિયામાં સમગ્ર ગામના લોકોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેમાં ગણતરીના કલાકોમાં સાથ છોડી જનાર પત્નીની અંતિમ ક્રિયામાં વરરાજા પણ આવતા લોકોના કઠણ કાળજા પણ રડી ઉઠ્યા હતા.