મેરાન્યૂઝ નેટવર્ક.વલસાડઃ આમ તો ઘણા સરકારી દફ્તરોમાં ધક્કા ન ખાવા, કામ જલ્દી પતાવી આપવા વગેરે બહાને ન થતાં કામો પણ લાંચની રકમ ટપોટપ કરી આપે છે. આ પૈકીના ઘણા લોકો પર એસીબી (લાંચ રુશવત વિરોધી બ્યૂરો)ની પક્કડને કારણે લાંચિયા બાબુઓ પકડાય છે, ઘણા ડરે છે અને ઘણા હવે લાંચ લેતા નથી. જોકે હજુ પણ એવા બાહોશ છે જેમને આ બધાનો ડર નથી અને બેખૌપ પોતાનો કાળો ધંધો સરકારી હોદ્દાના પાવર નીચે કરતા હોય છે.

વલસાડના જુલ્લા ઉદ્યોગ કેન્દ્ર, દમણગંગા ભવન ખાતે જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતાં અશોક ગાંડાલાલ ચાવડા પોતાની જ ઓફીસ એટલે કે દમણગંગા ભવનની કચેરીની નીચે જ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. લાંચની રકમ હતી 1.40 લાખ, જોકે આ અશોકે લાંચ માટે કયા બહાના કર્યા તે આવો જાણીએ.

એક વ્યક્તિ (ફરિયાદી છે જેનું નામ જાહેર કરાયું નથી) તેમને 73 એએ પ્રકારની 23 એકરની જમીન કુલ અલગ અલ 9 સર્વે નંબરોવાળી વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના તુમ્બી ગામે ખરીદ કરવા માટે લખાણ કરેલું હોય, જે જમીન વેચાણ પરવાનગી માટે ખેડૂતો દ્વારા અલગ-અલગ 9 અરજીઓ જીલ્લા પંચાયત કચેરી વલસાડ ખાતે કરવામાં આવી હતી. 

આ પૈકીની 7 સર્વે નંબરોની ફાઈલો N.O.C.  મેળવવા જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મોકલવામાં આવેલ હતી. આ કામ આરોપી દ્વારા પુરૂ કરી આપવામાં આવેલ હતુ. પરંતુ 2 ફાઈલો હજુ બાકી હોય, જેથી એક ફાઈલના રૂા. 20,000/- લેખે  7 ફાઈલના કુલ  રૂા. 1,40,000/- લાંચની માંગણી આક્ષેપિત દ્વારા કરવામાં આવેલી.

જોકે ફરિયાદી વ્યક્તિ આ લાંચ આપવા માગતા ન્હોતા, તેમણે આ સંદર્ભે એસીબીનો સંપર્ક કર્યો. એસીબીના મદદનીશ નિયામક એન પી ગોહીલ અને પીઆઈ બી જે સરવૈયાએ સમગ્ર મામલો સમજ્યો અને બાદમાં આ અંગે એક છટકું તૈયાર કર્યું. ગોહીલના સુપરવિઝન હેઠળ આ છટકું ગોઠવાયું અને સરવૈયાએ ટ્રેપીંગ કરવાની જવાબદારી સ્વીકારી. તેમણે દમણગંગા ભવન ખાતે ગોઠવેલા છટકામાં અશોક કે જે લાલચમાં આંધળો થઈ જતાં તેને કાંઈ સમજ પડે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે આ સંદર્ભે હવે વધુ કાર્યવાહી શરૂ કરી છે.