મેરાન્યૂઝ નેટવર્ક, વડતાલ: આજ રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલ મંદિર દ્વારા ઉનાળાના તાપમાં ચંપલ વિના ફરતા ગરીબ જનોની સેવા અર્થે ગામડે ગામડે જઇને પંદર જેટલી ટીમોએ બે હજાર જેટલા ચંપલોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તથા નૌતમપ્રકાસદાસજી સ્વામી, મુનિવલ્લભદાસજી સ્વામી અને શ્યામવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

સ્વયંસ્વેકોની ટુકડીઓને વિદાય આપતી વેળાએ સંતોએ જણાવ્યુ હતું કે સામાન્ય માણસ સુધી ધર્મ સંદેશ પહોંચાડવાનો આ સાચો રસ્તો છે. ખરેખર સેવા દરેક વ્યક્તિમાં ઇશ્વરના દર્શન કરીને કરજો. આ કાર્ય માનવતાનુ છે. ધર્મનું છે. વડતાલધામનું છે. આપણા કાર્યો જ આપણને મહાન બનાવે છે. અહીં નિ:શુલ્ક હોસ્પિટલ, નિ:શુલ્ક ભોજનાલય, વિશાળ ગીર ગાયોની ગૌશાળા વગેરે કાર્યો ચાલે છે તેના પાયામાં ભગવાન સ્વામિનારાયણે આ વડતાલમાં લખેલી શિક્ષાપત્રી છે.

વર્તમાન ગાદિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહરાજે 1 થી 15 રૂટમાં સેવામાં જોડાયેલા સ્વયંસેવકો સાથે સમૂહ તસવીર આપીને આશીર્વાદ પાઠવ્યા હતાં. આ સેવા કાર્યમાં સુધીરભાઇ બ્રહ્મભટ્ટ વગેરે ભક્તો દ્વારા મળેલ સહયોગને બિરદાવીને સંતોએ સેવકોને વિદાય આપી હતી. દરમિયાન સંત સ્વામીએ જણાવ્યું હતું કે ચંપલ વિતરણની સેવા વડતાલ, કેરીયાવી, મુજપુરા, પીપળતા, તારાપુર, નડીયાદ, બાંધી, પેટલાદ, વિદ્યાનગર, આણંદ, ખંભાત, વાંસખીલીયા, કણજરી, ઉત્તરસંડા, ચકલાસી સહિતના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.