મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: શહેરના એસએસજી હોસ્પિટલ સામે આવેલા કિર્તી મંદિરના ગેટ પાસે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ બેન્કમાંથી રોકડ રૂ. 1.65 લાખ ઉપાડી જઇ રહેલા બાઇક સવારને પલ્સર બાઇક ઉપર આવેલા લૂંટારૂઓ ચાલુ બાઇકે ઝપાઝપી કરી બાઇકને લાત મારી રૂપિયા ભરેલ બેગ જેમાં રૂ. 1.60 લાખનો બેરર ચેક હતો તે પણ ઉપાડી ગયા હતા. મહત્વની વાત તો એ છે કે લૂંટારૂઓએ રૂ. 1.60 લાખનો બેરર ચેક પણ બેન્કમાંથી વટાવી રૂપિયા ઉપાડી ફરાર થઇ ગયા. જોકે આ સમગ્ર ઘટના પ્રી પ્લાન હોવાનુ જાણવા મળી રહ્યું છે.

વડોદરા સ્થિત ખત્રી પોળ ખાતે આવેલી શ્રી યોગેશ્વર હાઉસના માલિક હીરેનભાઇ લેડીઝ ડ્રેસના જથ્થાબંધ વેપારી છે. તેમની દુકાને છેલ્લા પાંચ વર્ષથી બેન્ક તથા અન્ય કામકાજ  વિજય ઠક્કર નામનો વ્યક્તિ સંભાળતો હતો. જોકે વચ્ચે એક  વર્ષ માટે વિજય નોકરી છોડી ચાલ્યો ગયો હતો અને ફરી પાછો પણ આવી ગયો હતો. વિજય ઠક્કર જ્યારે પણ બેન્કના કામ કાજ માટે નિકળતો ત્યારે તેની સાથે દુકાનમાં કામ કરતો અન્ય વ્યક્તિ પણ જતો. પરંતુ આજે બપોરે જ્યારે વિજય કાલાઘોડા પંચમુખી હનુમાનજી મંદિર પાસે આવેલી એચડીએફસી બેન્કમાં રૂપિયા ઉપાડવા માટે ગયો ત્યારે તે એકલો જ હતો.

વિજય બપોરે 3 વાગ્યાની આસપાસ એચડીએફસી બેન્કમાં રૂ. 1.65 લાખ રોકડ લઇ બહાર નિકળ્યો હતો. ત્યારબાદ પોતાની બાઇક પર બેસી કિર્તી મંદિર પાસે પહોંચ્યો ત્યાં પાછળથી પ્લસર બાઇક પર આવેલા બે હેલ્મેટધારી લુંટારૂઓએ વિજય પાસેની રૂપિયા ભરેલી બેગ ખેંચવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિજયે બેગ ન છોડતા લુંટારૂઓએ તેની સાથે ચાલુ બાઇકે ઝપાઝપી શરુ કરી દીધી હતી અને આખરે બે લુંટારૂ પૈકીના એકે વિજયની બાઇકને લાંચ મારતા તે રસ્તા પર પટકાયો હતો અને બાઇક સવાર લુંટારૂઓ રૂપિયા ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. રસ્તા પર પટકાતા વિજયના માથા અને મોઢાના ભાગે સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી.

જોકે મહત્વની વાત તો એ છે કે રૂપિયા ભરેલી બેગમાં એક રૂ. 1.60 લાખનો બેરર ચેક પણ હતો. જે લુંટારૂઓએ રાવપુરા સ્થિત રાજહંસ સિનેમા પાસે આવેલી કોટક બેન્કમાંથી વટાવી રૂપિયા ઉપાડી રફુચક્કર થઇ ગયા હતા. મળતી માહિતી મૂજબ વેપારીને રોજબરોજ રૂપિયાની લેતી દેતી થતી હવાના કારણે તેનો વીમો પણ કઢાવ્યો હતો. ત્યારે બીજી મહત્તવની વાત કે બેન્કમાંથી રૂ. 50 હજાર કરતા વધુ રોકડ નાણા  ઉપાડવાના હોય તો પાન કાર્ડની જરૂર પડતી હોય છે ત્યારે આ લુંટારૂઓ કઇ રીતે રૂ. 1.60 લાખનો બેરર ચેક વટાવી ગયા. જેથી  આ સમગ્ર મામલો પ્રી પ્લાન હોય તેવુ ફલિત થઇ રહ્યુ છે અને ક્યાંક ને ક્યાંક વેપારી અને તેનો કર્મી પણ પોલીસના શંકાના દાયરામા હોય તેવુ લાગી રહ્યું છે.