મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: શહેર નજીક એક ગાડી અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં નોકરી જઇ રહેલા બે ભાઇના મોતની ઘટના ઘટી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના અહીમા ગામના રહેવાસી મહેન્દ્રસિંહ ચાવડા (ઉં.વ. 30) અને જગદીશ સિંહ ચાવડા (ઉં.વ. 42) આજે સવારે સાવલી તાલુકાની મંજૂર જીઆઇડીસીમાં આવેલ એબીબી નામની કંપનીમાં દરરોજના ક્રમ અનુસાર નોકરી આવતા હતા. આ દરમિયાન સાવલી-પોઇચા રોડ પર આવેલ બાલાનાપુરા ગામ પાસે એક તૂફાન ગાડીએ તેમના બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે તેઓ રોડ પર ફસડાઇ પડ્યા હતા અને તેમના મોત નિપજ્યા હતા. મહેન્દ્રસિંહ અને જગદીશસિંહ બંને ભાઇઓ હતા. આમ એક જ પરિવારના બે વ્યક્તિના મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

તૂફાન કારે બાઇકને એવી ટક્કર મારી હતી કે કારના બોનેટનો આગળનો હિસ્સો ડેમેજ થયો હતો તથા ગાડીનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. એવી શક્યતા પણ છે કે બાઇક ચાલકો ઉછળીને ગાડીના કાચ પર પટકાયા હોઇ શકે છે અને ત્યાર બાદ તેઓ ગાડીની બીજી ટક્કરથી ફંગોળાયા હશે. પોલીસે આ મામલે આરોપી ડ્રાયવરની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.