મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: વડોદરા નજીક આવેલ કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં આવેલ એક ખેતરની ઓરડીમાંથી સાત લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ ગત રાત્રે ઝડપ્યો હતો. આ મામલે પોલીસે કરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ રોહન પટેલની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં હાલ અમેરિકા રહેતા શૈલેષભાઇ નગીનભાઇ પટેલની વાડીમાં કરજણના રોહન ઉર્ફે નિશાળીયા કાંતીભાઇ પટેલ તથા મેથી ગામનો ગામનો હિતેશ ઉર્ફે સોમો ઘનશ્યામભાઇ પટેલ કુવાની ઓરડીમાં વિદેશી દારુ સંતાડી રાખ્યો છે. રોહન પટેલ અમેરિકા રહેતા શૈલેષભાઇની જમીન ખેડે છે. જેથી પોલીસે દરોડો પાડતા ત્યા પેટીઓમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારુ મળ્યો હતો. પોલીસે આ જથ્થો અંધારામાં હોવાથી તેને ગાડીમાં ભરી પોલીસ સ્ટેશન લાવી ગણતરી કરી હતી. જેમાં 147 પેટી વિદેશી દારુ હતો અને કુલ નંગ 1764 હતા. જેની કુલ કિંમત 7,05,600નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જેથી રોહન પટેલ અને હિતેશ પટેલ વિરૂદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વહહુકમ-2016ની કલમ 65 (એ), (ઇ), 81, 83 મુબજ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રોહન ઉર્ફે નિશાળીયા કાંતીભાઇ પટેલ કરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ છે. રોહન સામે આ પહેલા પણ વરણામા અને કરજણ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી, મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા છે.  રોહન પટેલ રાજસ્થાન અને હરિયાણાથી દારુનો જથ્થો ઠાલવતો હોવાનું જાણવા મળ્યું છે.