મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: વડોદરા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી ટીનીબેન ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર ભાંગરો વાટતા ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલબિહારી વાજયેપીને શ્રદ્ધાંજલિ આપી દીધી છે.

તાજેતરમાં જ દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર લઇ રહેલા દેશના ભૂતપૂર્વ અને ભારત રત્ન અટલ બિહારી વાજયેપીને વડોદરા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી ટીનીબેન ત્રિવેદીએ એક વોટ્સએપ ગૃપમાં મેસેજ વાયરલ કરી શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી. ભાજપના મહિલા નેતાના આ મેસેજને કારણે સ્થાનિક ભાજપ નેતાઓને પણ શરમમાં મુકાવાનો વારો આવ્યો છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર : વડોદરા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી ટીનીબેન ત્રિવેદીએ પણ સોશિયલ મીડિયામાં તેમને મળેલ મેસેજને કોઈ પ્રકારની ચકાસણી કર્યા વિના જ ઉતાવળમાં ફોરવર્ડ કરી દીધો. જેથી ભાજપના આ મહિલા નેતાને મુશ્કેલીમાં મુકાવુ પડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 93 વર્ષના અટલ બિહારી વાજપેયીને દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ડોક્ટર્સ દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરી કહેવામાં આવ્યું છે કે તેઓ પર દવા અસર કરી રહી છે અને હાલત સારી છે તથા આગામી દિવસોમાં તેમને રજા પણ આપવામાં આવશે.