મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: અમેરિકામાં રહેતા વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અમેરિકાના સમય અનુસાર શુક્રવારે મૂળ વડોદરાના અને અમેરિકાના વર્જિન આયલેન્ડમાં રહેતા જ્વેલરી સ્ટોરના સંચાલક કૈલાશ બનાનીની (ઉં.વર્ષ 49) અજાણ્યા લોકોએ કાર અકસ્માત મામલે ગોળી મારી હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના આર.વી.દેસાઇ રોડ વિસ્તારમાં રહેતા કૈલાશ બનાની છેલ્લા 25 વર્ષથી અમેરિકા સ્થાયી થયા હતા. અમેરિકાના વર્જિન આયલેન્ડમાં તેઓ પોતાની પેનાસ જ્વેલરી સ્ટોર ધરાવતા હતા. શુક્રવારે તેઓ પોતાનો સ્ટોર બંધ કરી પોતાની કારમાં ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રાફિક સિગ્નલ પર તેમની કાર અને અન્ય એક કાર વચ્ચે નજીવો અકસ્માત સર્જાયો હતો. જ્યાર બાદ બંને વચ્ચે બોલાચાલી થયા બાદ અજાણ્યા કારચાલકે કૈલાશ બનાની પર એકથી વધુ ફાયરિંગ કરતાં તેઓ ઘવાયા હતા અને ત્યાં જ ફસડાઇ પડ્યા હતાં. જેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાતા તેમને ડોક્ટર્સે મૃત જાહેર કર્યા હતાં.

કૈલાશ બનાનીના એક મિત્રના જણાવ્યા અનુસાર કૈલાશ બનાની ગત નવરાત્રીમાં વડોદરા આવ્યા હતા. કૈલાશ બનાનીએ વડોદરાની શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો અને 25 વર્ષથી અમેરિકા રહેતા હતા. કૈલાશ બનાનીના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રીઓ છે. કૈલાશ બનાનીના ભાઇ હાલ વડોદરામાં રહે છે અને તેમના પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.