મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા:  વડોદરાના વારસીયા રીંગ રોડ પર આવેલા સંજયનગરની વસાહત તોડી નાખી પીપીપી સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ઊભી કરી કરોડો રૂપિયાનુ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરવામા આવી રહ્યાં છે. તેવામા રૂ. 2000 હજાર કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના કૌભાંડમાં શહેરના એક આરટીઆઇ કાર્યકર દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામા આવી હતી. જેની આજ રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટે પ્રધાનમંત્રી આવસા યોજના ઉપર થઇ રહેલા બાંધકામની તમામ કામગીરી પર રોક લગાવી ડીધી છે અને 10 જેટલા પક્ષકારો બનાવી નોટીસ પાઠવવામાં આવી શકે છે.

શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી 16 લાખ સ્કેવર ફુટ જગ્યા જે 1970માં ભીક્ષુકગૃહના બાંધકામ માટે જમીન ફાળવી હતી. તે જ જગ્યા બારોબાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરના નેતાઓના મેળાપીપણાથી પોતાના આર્થિક ફાયદા માટે પ્રાઇવેટ બિલ્ડર્સને પધરાવી દેવામાં આવી હોવાના આક્ષેપો કરવામા આવી રહ્યા છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે પીપીપી સ્કીમ હેઠળ સુરૂચી ડીએમસી ઇન્ફ્રા કંપનીને પધરાવી દીધી અને બેઘર થયેલા લોકોને સમયસર ભાડું પણ ચુકવવામા નથી આવી રહ્યું. જે જમીન સરાકરે ભિક્ષુકગૃહ માટે ફાળવી હોય તે જમીન ઉપર પાલિકા દ્વારા કેવી રીતે પીપીપી સ્કીમ હેઠળ પ્રાઇવેટ બિલ્ડરને પધરાવી દેવામાં આવી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ. 2000 કરોડના કૌભાંડમાં કોણ કોણ સામેલ છે અને કોની મહેરબાનીથી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેવા અનેક સવાલોના જવાબ શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સચિવ પુનમચંદ પરમારને તપાસ સોંપવામા આવી હતી. સા ત દિવસમાં રીપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતુ પરંતુ હજી સુધી રીપોર્ટ ન સોંપાતા આખરે સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોચ્યો હતો.

તેવામાં વડોદરાના કલ્પેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા હાઇકોર્ટમાં ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર પીઆઇએલ દાખલ કરવામા આવી હતી. જેની આજરોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી અને હાઇકોર્ટ ઉપરોક્ત તમામ મુદ્દાઓને જોતા સંજય નગર સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજના પર થઇ રહેલી બાંધકામની તમામ કામગીરી પર રોક લાગી દીધી છે. તદઉપરાંત 10 જેટલા પક્ષકારો બનાવી તમામને હાઇકોર્ટ દ્વારા નોટીસ પાઠવવામાં આવી શકે છે. જે આગામી 11 એપ્રિલના રોજ હાઇકોર્ટમાં હાજર રહી સંજયનગરની જમીન અંગેના તમામ જરૂરી પુરાવા અને દસ્તાવેજો રજુ કરવા પણ સુચના આપી છે.