મેરાન્યૂઝ નેટવર્ક.વઢવાણઃ રાજય સરકાર દ્વારા 15 વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈને રાજ્ય વ્યાપી રૂબેલા તેમજ ઓરી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે રૂબેલા રસીની ઘણી જગ્યાએ આડ અસર પણ જોવા મળી રહી છે. ત્યારે કહેવાય છે કે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ શીયાણીપોળ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળાનં. 7 માં રૂબેલા રસીકરણ દરમિયાન પાંચ વિદ્યાર્થિની ઓને આડ અસર થતાં બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાંથી રૂબેલા અને ઓરી જેવા રોગો સંપુર્ણ નાબુદ કરવા રાજય વ્યાપી રસીકરણનો પ્રારંભ ગત તારીખ 16 જુલાઈથી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 15 વર્ષ સુધીના બાળકોને રૂબેલા તેમજ ઓરીની રસી પીવડાવવામા આવી રહી છે. આ અભિયાનની શરૂઆત શાળાઓમાં કરવામાં આવી છે ત્યારે વઢવાણ શીયાણીપોળ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર - 7 માં ભણતા હીરલ હિતેશભાઇ સોલંકી, દિવ્યા બળદેવભાઇ જોષી, ઇશા કાન્તિલાલ ચાવડા, સોનલ અરવિંદભાઇ મકવાણા, સુહાના નામની વિધાર્થીઓને રુબેલા રસી અપાઈ હતી ત્યારે આ પાંચેય વિદ્યાર્થિનીઓને બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા રસી અપાઇ રહી હતી. તે દરમીયાન પાંચ જેટલી વિધાર્થીનીઓ રૂબેલા રસીકરણ બાદ તુરંત બેભાન થઇ જતાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા 108 મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ રસીકરણનો કેમ્પ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થિનીઓના વાલીઓમાં આરોગ્ય તંત્ર તેમજ સરકાર સામે રોષ જોવા મળ્યો હતો. જો કે બનાવ બન્યા છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કે સ્ટાફ કોઇએ હોસ્પિટલમાં મુલાકાત પણ લીધી ન હતી.