મેરાન્યૂઝ નેટવર્ક, અલીગઢ:  પોલીસ જ્યારે પણ કોઈ પણ ગુંડાનું એન્કાઉન્ટર કરે છે ત્યારે વિવાદ જ થાય છે પણ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ઉત્તર પ્રદેશ દ્વારા બે ગુંડાઓને ઠાર મારવાની ઘટનાને લઈ એટલે વિવાદ થયો કે પોલીસે એન્કાઉન્ટર કરતા પહેલા સ્થાનિક પત્રકારો અને કેમેરામેનને ફોન કરી આમંત્રણ આપ્યુ કેઅમે એન્કાઉન્ટર કરવાના છીએ તમારે લાઈવ કવરેજ કરવુ હોય તો મછુવા ગામ પાસે આવી જાવ. આ પ્રકારનું આમંત્રણ મળતા પહેલા તો પત્રકારોને આશ્ચર્ય થયુ કારણ કાયમ પોલીસ એન્કાઉન્ટરની ઘટનાની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ કરતી હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસે લાઈવ એન્કાઉન્ટર પત્રકારોને બતાડવાની હતી.

ગત ગુરૂવારના રોજ અલીગઢના સ્થાનિક પત્રકારો અને નેશનલ ટેલીવીઝન ચેનલના પત્રકારોને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી કે ઉત્તર પ્રદેશના બે નામી ગુંડાઓ જેમની ઉપર એક સાધુ સહિત છ વ્યકિતની હત્યા કરવાનો આરોપ છે તેવા મુસ્તકીમ અને નૌશાદનું એન્કાઉન્ટર કરવાનું છે. આ જાણકારી મળતા મોટી સંખ્યામાં પત્રકારો અને કેમેરા મેન સવારના સાત વાગ્યે મછુવા ગામ પહોચી ગયા, ત્યા હાજર પત્રકારોને અચાનક ગોળીબારના અવાજ સંભાળવા લાગ્યા અને તેમણે પોલીસને દોડતી જોઈ હતી. પોલીસનો દાવો હતો કે આ વિસ્તારમાં છુપાયેલા મુસ્તકીમ અને નૌશાદે પોલીસ પાર્ટી ઉપર હુમલો કરતા પોલીસે કરેલા ગોળીબારમાં માર્યા હતા.

જો કે સ્થળ ઉપર ગયેલા પત્રકારોને દાવો છે કે તેઓ સ્થળ ઉપર પહોંચ્યા તે પહેલા પોલીસે ગુંડાને ઠાર કર્યા હતા, પણ ત્યાર બાદ પત્રકારોને બતાડવા માટે તેમણે ગોળીબાર કર્યા અને જાણે વાસ્તવિક એન્કાઉન્ટર હોય તેવો દેખાવ ઉભો કર્યો હતો. આ આખી ઘટનાને કારણે ઉત્તર પ્રદેશ પોલીસ વિવાદમાં આવી ગઈ છે. જો કે આ મામલે એસએસપી અજય સહાનીએ કહ્યુ કે પોલીસ કંઈ છુપાવવા માગતી નથી, અમને ઉપરથી સુચના હતી કે પત્રકારોને એન્કાઉન્ટરની તમામ માહિતી આપવામાં આવે અને અમે પારદર્શી રીતે કામ કરીએ છીએ તે બતાડવા જ તેમને સ્થળ ઉપર બોલાવ્યા હતા. જ્યા સુધી એન્કાઉન્ટરના દ્રશ્યો રેકોર્ડ કરવાનો સવાલ છે તે મિડીયાનો અધિકાર છે અમે તેમને તેમ કરતા રોકી શકીએ નહીં.