મેરાન્યૂઝ નેટવર્ક, લખનૌ: દેશભરના મોટાભાગના રાજ્યોમાં ભાજપ અને ભાજપ સમર્થિત સરકાર બન્યા બાદ જાણે કે હવે ભાજપના વળતાપાણી થયા હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ફૂલપુરમાં યોજાયેલ લોકસભાની પેટા ચૂંટણીના આજે જાહેર થયેલ પરિણામોમાં બંને બેઠકમાં ભાજપનો પરાજય થયો છે અને આ બંને બેઠક સમાજવાદી પાર્ટીએ જીતી લીધી છે.

ગત વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ગોરખપુરથી સાંસદ એવા યોગી આદિત્યનાથ અને ફૂલપુરથી સાંસદ કેશવ પ્રસાદ મૌર્યએ સંસદસભ્ય પદેથી રાજીનામુ આપી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જ્યાર બાદ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને કેશવ પ્રસાદ મૌર્ય ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા હતા. જ્યાર બાદ ખાલી પડેલ બંને બેઠકો માટે યોજાયેલ ચૂંટણીના આજે પરિણામ જાહેર થતા ભાજપને મોટો આંચકો લાગ્યો છે. કારણ કે બંને બેઠક પર ભાજપનો પરાજય છે થયો છે અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના બંને ઉમેદવાર જીત્યા છે. ગોરખપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ નિષાદનો વિજય થયો છે જ્યારે ભાજપના ઉપેન્દ્ર દત્ત શુક્લા હારી ગયા છે. બીજી તરફ ફૂલપુર બેઠક પરથી પણ સમાજવાદી પાર્ટીના નાગેન્દ્ર પટેલનો વિજય થયો છે જ્યારે ભાજપના કૌશલેન્દ્ર પટેલનો પરાજય થયો છે.

આ સાથે જ બિહારમાં યોજાયેલ લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપે ભાભુઆ બેઠક જાળવી રાખી છે જ્યારે લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીએ પણ અરારિયા અને જેહાનાબાદ બેઠક જાળવી રાખવી છે. આમ બિહારમાં કોઈ રાજકીય પરિવર્તન નથી દેખાઇ રહ્યું પરંતુ ઉત્તર પ્રદેશમાં ભાજપને ફટકો પડ્યો છે.