મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખનૌમાં ભાજપના એક નેતાએ અત્યારથી જ લોકસભા ચૂંટણીમાં ટિકિટ માટે દાવેદારી કરી છે. 51 વર્ષના આઇપી સિંહે ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રવક્તા રહી ચુક્યા છે. તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને 2019માં લખનૌ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી છે અને જીતવાની પણ ગેરંટી આપી છે.

આઇપી સિંહે મીડિયાને જણાવ્યુ કે રાજનાથ સિંહ વર્ષ 2014માં બહારથી આવીને લખનૌથી ચૂંટણી લડ્યા હતા. રાજનાથ સિંહને તો લખનૌ સાથે કોઈ ગાઢ સંબંધ પણ ન હતો. તેમણે તો લાલજી ટંડનની ટિકિટ કાપીને અહીંયાથી ચૂંટણી લડી હતી. રાજથાન સિંહ તો ગૃહમંત્રી છે અને દેશના કોઈપણ ભાગમાંથી ચૂંટણી લડી શકે છે. લખનૌના 50થી 60 ટકા ધારાસભ્ય અને સાંસદ બહારથી આવીને ચૂંટણી લડ્યા અને જીત્યા છે. જેથી તેમના જેવા સ્થાનિક નેતાઓની ઉપેક્ષા થઇ રહી છે.

આઇપી સિંહે આ પત્ર ગત 2 ઓક્ટોબરના રોજ લખ્યો હતો અને તેમણે આજે 8 ઓક્ટોબરના રોજ આ પત્ર જાહેર કર્યો છે. તેમને હજુ સુધી આ મુદ્દે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જો જવાબ નહીં આવે તો અમિત શાહ સાથે મુલાકાત કરીને તેમની વાત રજૂ કરશે. જો કે ટિકિટ આપવા અંગે અંતિમ નિર્ણય પાર્ટીએ કરવાનો છે. હું ચૂંટણી લડવાની તૈયાર કરીશ.

આઇપી સિંહે કહ્યું છે કે તેઓ છેલ્લા 36 વર્ષથી લખનૌમાં રહે છે અને ભાજપ માટે દરેક સ્થિતિમાં કામ કર્યું છે. આજે ભાજપ સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં છે અને રાજ્ય તથા કેન્દ્રમાં પ્રચંડ બહુમતિથી જીતીને આવી છે. જો આ સ્થિતિમાં ભાજપના કાર્યકરોને મહત્વ નહીં મળે તો ક્યારે મળશે? તેમણે કહ્યું કે અડવાણી અને જોશી જેવા નેતા પણ મુખ્યધારાથી હટ્યા. એવામાં અમારા જેવા નેતાઓ માટે ત્યારે જ જગ્યા બનશે જ્યારે આ પરંપરા જારી રહેશે.