મેરાન્યૂઝ નેટવર્ક, પિટ્સબર્ગ: અમેરિકાના પિટ્સબર્ગમાં શનિવારે યહુદીઓના એક પ્રાર્થના સ્થળ પર થયેલ ગોળીબારમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ પોલીસકર્મીઓ સહિત અન્ય ઘાયલ થયા છે.

સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર પોલીસે વળતા જવાબમાં કરેલી કાર્યવાહીમાં ઘાયલ થયા બાદ હુમલાખોર રોબર્ટ બોવર્સ (ઉં. વ. 46) એ આત્મસમર્પણ કર્યું છે. હુમલાહોર દાઢીવાળો અને શ્વેત વ્યક્તિ છે. ઘાયલ થવાના કારને હુમલાખોરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ત્યા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. એફબીઆઇ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

અહેવાલો અનુસાર ગોળીબાર કર્યા પહેલા હુમલાખોર કથિત રીતે ભવનમાં ઘુસ્યો અને બૂમો પાડી કે ‘બધા યહુદીઓએ મરી જવુ જોઈએ.’ સમગ્ર ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જે વિચાર્યું હતું તેના કરતા પણ વધુ દુખદ સ્થિતિ પિટ્સબર્ગમાં છે.

આ હુમલો પિટ્સબર્ગના સ્કિવરેલ હિલ સ્થિત ટ્રી ઑફ લાઇફ સિનગૉગમાં થયો છે. ઘટના બાદ ટ્રમ્પે કહ્યું કે હુમલાખોરને મોતની સજા આપવી જોઈએ. ગોળીબારની ઘટના બાદ શોક પ્રગટ કરવા અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટ્રમ્પે આદેશ કર્યો છે કે વ્હાઇટ હાઉસ, સાર્વજનિક મેદાનો, સૈન્ય ચોકીઓ, નેવી કેન્દ્રો અને જહાજો પર લગાવેલ અમેરિકાના ઝંડા મૃતકો પ્રત્યે ‘શોક સન્માન’ માં 31 ઓક્ટોબર સુધી અડધી કાઠીએ ફરકાવવામાં આવે.

બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતેન્યાહૂએ ઘટના  બાદ અમેરિકા સાથે એકજૂથતા વ્યક્ત કરતો એક વીડિયો સંદેશ જારી કરી કહ્યું કે પિટ્સબર્ગના સિનગૉગમાં થયેલ જીવલેણ હુમલાથી હું ખૂબ જ દુખી છું.