મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અમેરિકાએ પાકિસ્તાનને માત્ર એક જ અઠવાડામાં બીજો ઝટકો આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાક.ને અપાતી અંદાજીત 7 હજાર કરોડની સૈન્ય મદદ રોકી લીધી છે. અમેરિકાએ કહ્યું કે, પાકિસ્તાન પહેલા આતંકવાદ સામેની લડાઈને લઈને અમેરિકાને મુર્ખ બનાવી રહ્યું હતું. અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકોને નિશાન બનાવી રહેલા તાલિબાન આતંકીઓ સામે કાર્યવાહી કરી શકતું નથી. આ બધા કારણોને પગલે પાક સૈન્યની સહાર રોકવામાં આવી રહી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હેદર નોએર્તએ કહ્યું છે કે, અમે આજે તે વાતની સ્પષ્ટતા કરી રહ્યા છે. આ સમયે પાકિસ્તાનને અપાતી તમામ પ્રકારની સૈન્ય સહાયને રોકી લેવામાં આવે છે. તેમણે એવું પણ ઉમેર્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન અફઘાની તાલિબાન, હક્કાની નેટવર્ક વિરુદ્ધમાં કોઈ નક્કર કાર્યવાહી ન કરે ત્યાં સુધી સૈન્ય સહાય નહીં મળે. તેનું કારણ પણ તેમણે આપ્યું હતું કે, અમે એવું માનીએ છીએ કે તેઓ પ્રદેશમાં અસ્થિરતા ફેલાવી રહ્યા છે અને અમેરિકી સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે.