મેરાન્યૂઝ નેટવર્ક, લખનૌ: ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આક્ષેપ કરનાર મહિલાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થતા એસપી ઉન્નાવે માખી પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. આ સિવાય ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના ચાર સમર્થકો વિનીત મિશ્રા, શૈલૂ, સોનૂ અને બઉવાની પણ ધરપકડ કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે આ મામલે ધારાસભ્ય સેંગરને નિર્દોષ જણાવ્યા છે અને ફરિયાદમાં તેમના નામનો ક્યાંય ઉલ્લેખ ન હોવાનું જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉન્નાવની રહેવાસી એક મહિલાએ ઉન્નાવથી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સિંગર પર બળાત્કારનો આક્ષેપ કરી ગત રવિવારે મુખ્યમંત્રી યોગીના આવાસ સામે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ મહિલા અને તેના પરિવારને સમજાવીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી અને બાદમાં એડીજી લખનૌ ઝોને આ કેસની તપાસના આદેશ આપ્યા હતાં. સોમવારે અચાનક દુષ્કર્મ પીડિત મહિલાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થયું. નોંધનીય છે કે ગત સપ્તાહે ગેંગરેપ કેસને લઇને ભાજપના ધારાસભ્યના ભાઇ અને પીડિતાના પિતા વચ્ચે મારઝૂડ થઇ હતી. જ્યાર બાદ પોલીસે મહિલાના પિતા પર કેસ દાખલ કરી જેલમાં મોકલી દીધા હતા. ગેંગરેપ કેસમાં કોઈ કાર્યવાહી ન થયા મહિલા અને તેના પરિવારે રવિવારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેની સાથે ભાજપના સ્થાનિક ધારાસભ્યએ તેના મિત્રો સાથે મળીને બળાત્કાર ગુજાર્યો. દુષ્કર્મથી બચવા ખૂબ પ્રયાસ કર્યા અને લોકોની મદદ માંગી પરંતુ કોઈ મદદે આવ્યુ ન હતું. જો તમામ આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો હું આત્મવિલોપન કરીશ. આ મામલે મુખ્યમંત્રી યોગીએ પણ કોઈ મદદ ન કરી અને પોલીસે પણ ફરિયાદ દાખલ ન કરી અને ઉપરથી અમને ધમકીઓ મળવા લાગી.

બીજી તરફ આજે સોમવારે ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપના ધારાસભ્ય સેંગરને ક્લિનચીટ આપતા કહેવામાં આવ્યું છે કે મેજીસ્ટ્રેટ સમક્ષ 164 હેઠળ દાખલ થયેલ જુબાનીમાં પીડિત યુવતીએ ભાજપ ધારાસભ્ય સેંગરનું નામ નથી લીધુ. ગૃહ વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે મેજીસ્ટ્રેટ સમક્ષ દાખલ જુબાનીમાં પીડિતાએ ધારાસભ્ય પર દુષ્કર્મનો આક્ષેપ નથી કર્યો. કેસની તપાસ કરી રહેલ પોલીસનો આ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલે 12 એપ્રિલના રોજ સુનાવણી થશે. આમ પીડિતાએ ભલે ધારાસભ્ય પર આક્ષેપ કર્યા હોય પરંતુ ફરિયાદમાં ક્યાં પણ કુલદીપસિંહ સેંગરના નામનો ઉલ્લેખ નથી.

આ અંગે પીડિતાની બહેને મીડિયા સમક્ષ કહ્યું છે કે મારા પિતાનું મોત થઇ ચુક્યુ છે અને હવે તેઓ કરી રહ્યા છે કે એક્શન લેવાશે. હું માત્ર એટલુ જ કહેવા માગુ છું કે આરોપી અરુણસિંહ અને કુલદિપસિંહ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે. હું ન્યાય ઇચ્છુ છું. દરમિયાન ભાજપ ધારાસભ્ય સેંગરે પણ કહ્યું છે કે મારા વિરૂદ્ધ કોઈ આક્ષેપ નથી. મારા વિરૂદ્ધ જે પણ આક્ષેપ છે તેની તપાસ થવી જોઈએ. આ બધા નિમ્ન સ્તરના લોકો છે.