મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી અનંત કુમારનું આજે સોમવારે વહેલી સવારે નિધન થયું. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી ફેફસાના કેન્સરથી પીડિત હતા. બેંગાલુરુની શંકરા હોસ્પિટલના ડાયરેક્ટર નાગરાજના જણાવ્યા અનુસાર 59 વર્ષના અનંત કુમારે આજે વહેલી સવારે બે વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અનંત કુમારના નિધન પર કર્ણાટક સરકારે રાજ્યમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.  

અમેરિકા અને બ્રિટનમાં ઇલાજ કરાવ્યા બાદ તેઓ તાજેતરમાં જ બેંગાલુરુ પરત ફર્યા હતા. જ્યાર બાદ શંકરા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અનંત કુમારના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે નેશનલ કોલેજ ગ્રાઉન્ડમાં રાખવામાં આવશે. આ મેદાન તેમના બેંગાલુરુ દક્ષિણ લોકસભા મતવિસ્તારમાં આવે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ અનંત કુમારના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું મારા મહત્વપૂર્ણ સાથી અને મિત્રના નિધનથી ખૂબ જ દુખી છું. અનંત કુમાર યુવાનીમાં જ સાર્વજનિક જીવનમાં આવ્યા અને ઘણી મહેનત અને સેવાભાવથી સમાજની સેવા કરી. અનંત કુમારને તેમના સારા કાર્યો માટે હંમેશા યાદ કરવામાં આવશે.  

22 જુલાઇ 1959ના રોજ જન્મેલા અનંત કુમાર 1996થી બેંગાલુરુ સાઉથ લોકસભા બેઠક પરથી સાંસદ હતા. મોદી સરકારમાં તેમને કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય તથા સંસદીય બાબતોનું મંત્રી પદ મળ્યું હતું. અનંત કુમાર શરુઆતથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા અને વિદ્યાર્થી નેતા બાદ ભાજપ જોડાયા હતા.