મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત સહીત સમગ્ર દેશમાં ભણેલા-ગણેલા ધારાસભ્યોની સરખામણીમાં ઓછા ભણેલા ધારાસભ્યોની આવક વધારે છે. ગુજરાતના કુલ ૧૮૨ ધારાસભ્યોમાંથી ૧૬૧ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૧૮.૮૦ લાખ રૂપિયા છે. જેમાં સ્નાતક ધારાસભ્યોની વાર્ષિક આવક ૧૪.૩૭ લાખ રૂપિયા છે. તો ભારતમાં ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક રૂપિયા ૨૪.૫૯ લાખ સામે ગુજરાતના ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક રૂપિયા ૫.૭૯ લાખ જેટલી ઓછી છે. જયારે કર્ણાટકના ૨૦૩ ધારાસભ્યો સરેરાશ વાર્ષિક આવક ૧.૧૧ કરોડ સાથે સૌથી ધનિક છે. તો છત્તીસગઢના ૬૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક સૌથી ઓછી માત્ર ૫.૪૦ લાખ રૂપિયા છે.

એડીઆર અને નેશનલ ઇલેકશન વોચ (એનઇડબલ્યુ)એ ધારાસભ્યોની આવકના વિશ્લેષ્ણ પર એક રજૂ કરેલી આંકડાકીય માહિતીમાં ધારાસભ્યોની આવકનો ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં કુલ ૪૦૮૬ ધારાસભ્યોમાંથી ૩૧૪૫ ધારાસભ્યો ચુંટણી વખતે ભરવામાં આવેલા સ્વઘોષિત શપથપત્ર પ્રમાણે ભારતમાં ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક રૂપિયા ૨૪.૫૯ લાખ છે. જેમાં પાંચમાંથી બારમા ધોરણ સુધી ભણેલા ૩૩ ટકા ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૩૧.૦૩ લાખ રૂપિયા છે. તો ૬૩ ટકા ગ્રેજ્યુએટ અને તેનાથી વધારે ભણેલા ધારાસભ્યોની આવક ૨૦.૮૭ લાખ રૂપિયા છે. જયારે ગુજરાતના ૨૧ સહીત દેશના ૯૪૧ ધારાસભ્યોએ પોતાની આવકનો ખુલાસો કર્યો નથી. સૌથી રસપ્રદ બાબત એ છે કે, આઠમું ધોરણ પાસ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક અંદાજે રૂપિયા ૯૦ લાખ છે.

તો અભણ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૯.૩ લાખ રૂપિયા છે. બિઝનેસ કે કૃષિ સાથે જોડાયેલા ધારાસભ્યોની સરેરાશ આવક રૂપિયા ૫૭.૮૧ લાખ છે. જ્યારે રિઅલ એસ્ટેટ બિઝનેસ ધરાવતા ધારાસભ્યોની વાર્ષિક આવક રૂપિયા ૩૯ લાખ તેમજ અભિનય કે ફિલ્મ બનાવતા ધારાસભ્યોની આવક ૨૮ લાખ રૂપિયા છે. વયજૂથ પ્રમાણે ૨૫-૫૦ વર્ષની ઉંમરના ૧૪૦૨ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૧૮.૨૫ લાખ સામે ૫૧-૮૦ વર્ષના ૧૭૨૭ ધારાસભ્યોની આવક રૂપિયા ૨૯.૩૨ લાખ છે. જ્યારે ૮૧-૯૦ વર્ષની ઉંમર ધરાવતા માત્ર ૧૧ ધારાસભ્યોની વાર્ષિક આવક સૌથી વધારે રૂપિયા ૮૭.૭૧ લાખ છે. સમગ્ર દેશમાં સૌથી ધનિક ધારાસભ્ય કર્ણાટકના બેંગલુરૂ ગ્રામીણથી એન. નારાર્જુનની રૂપિયા ૧૫૭.૦૪ કરોડ આવક સામે સૌથી ઓછી માત્ર ૧૩૦૧ રૂપિયાની આવક આંધ્રપ્રદેશના ધારાસભ્ય બી.યામિની બાલાની છે.