મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મોદી સરકારને મોટી સફળતા મળી છે. આફ્રિકાના સેનેગલમાં હાજર રવિ પુજારીની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, ભારતીય એજન્સીઓના ઈનપુટ પર જ રવિ પુજારીની ધરપકડ કરવામાં આવી છે. ડોન રવિ પુજારી અવારનવાર બોલીવુડ ઉપરાંતની મોટી હસ્તીઓને ધમકાવી ચુક્યો છે અને તેનો ભય ઘણા સેલેબ્રિટિઝમાં હોવાની હકીકતો સામે આવી હતી.

એક જ દિવસ પહેલા ભારતીય એજન્સીઓને સંયુક્ત આરબ અમીરાતથી અગસ્ટા વેસ્ટલન્ડ મામલામાં આરોપી રાજીવ સક્સેના મની લોન્ડ્રીંગ કેસના આરોપી દીપક તલવારને ભારત લાવવામાં સફળતા મળી છે ત્યાં હાલમાં જ બુધવારે ભારત લાવતા જ ઈડીએ તેનો કબજો લીધો હતો. ગુરુવારે કોર્ટે રાજીવ સક્સેનાને ચાર દિવસના અને દીપક તલવારને સાત દિવસના રિમાન્ડ આપ્યા છે.

કહેવાઈ રહ્યું છે કે, રવિ પુજારી પર ઘણા સમયથી એજન્સીઓની નજર હતી જ. સેનેગલથી પહેલા પુજારીનું લોકેશન બુર્કીના ફાસોમાં મળ્યું હતું. ત્યારથી એજન્સીઓ તેની પાછળ પડી હતી. રવિ પુજારી સામે ભારતમાં ઘણા કેસ છે.

ગત વર્ષે ગુજરાતના દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પોલીસને ફરિયાદ લખાવી હતી કે અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીએ તેમને હત્યાની ધમકી આપી હતી. મેવાણીએ કહ્યું હતું કે તેમને ફોન કોલ અને મેસેજ દ્વારા ધમકાવાઈ રહ્યો છે અને ધમકાવનાર પોતાને રવિ પુજારી હોવાનું કહે છે. મેવાણીને ફોન કરનાર શખ્સે દાવો કર્યો હતો કે તેનું જ નામ રવિ પુજારી છે અને તે ઓસ્ટ્રેલિયામાં છે. તેણે એવું કહ્યું હતું કે તે ત્યાં બેઠા બેઠા મેવાણીને ગોળીએ દઈ શકે છે.

રવિ પુજારીના નામે પણ અગાઉ ગુજરાતના કદાવર નેતાઓને ફોન પર ધમકીઓ મળી ચુકી છે. જોકે જે તે સમયે આ કોલ્સ અને મેસેજીસ ફેક હોવાનું પણ બહાર આવ્યું હતું. રવિ પુજારીના ઈશારે બોલીવુડ ઈન્ડસ્ટ્રીના લોકોને ડરાવાનો કામ પણ ઘણા તેના સાગરિતો કરે છે, સાંભળવામાં આવ્યું હતું કે નિર્દેશક મહેશ ભટ્ટ અને ફરાહ ખાનની પણ હત્યાનું પણ ષડયંત્ર રચ્યું હતું. મુંબઈ પોલીસે ધમકાવનાર સાગરિતને ઝડપીને આ પડદો ઉચક્યો હતો. તે સાગરિતે શાહરુખ ખાનની ઓફીસની પણ રેકી કરી હતી. જુહુમાં પણ ફિલ્મ નિર્માતા કરીમ મોરાનીના ઘર પર થયેલા શૂટિંગ બાદ પોલીસે પુજારી ગેંગના ષડયંત્રને નાકામ કર્યું હતું. ઝડપાયેલા સાગરિતે કહ્યું હતું કે તેને આ કામના 11 લાખ રૂપિયા પુજારીએ આપ્યા હતા. પરંતુ પોલીસે પુજારીના શૂટર્સને પહેલા જ ઝડપી પાડ્યા હતા. જોકે હજું તે અંગે વધુ વિગતો તપાસ બાદ જ સામે આવશે, પરંતુ આ ગેંગસ્ટરના હાથે લાગવાથી ભારતીય એજન્સીઓને ઘણી મોટી સફળતા મળી છે.