મેરાન્યૂઝ નેટવર્ક, ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર નિષ્ણાતોના એક જૂથે ભારતીય મહિલા પત્રકાર રાણા અયૂબને મળી રહેલી ધમકીઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે ભારત સરકાર રાણા અયૂબની સુરક્ષા માટે તત્કાલિક પગલા ભરે અને આ મામલે સઘન તપાસ કરે. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ કહ્યું કે તેઓ આ વાતથી ચિંતતિ છે કે આ ધમકીઓના કારણે રાણા અયૂબના જીવને જોખમ છે. રાણા અયુબ ફ્રિલાન્સ પત્રકાર અને લેખિકા છે. તેમણે લોકો અને સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગુનાઓ પર રિસર્ચ કરી ઘણા લેખ લખ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાણા અયૂબે વર્ષ 2002માં ગોધરાકાંડ અને ત્યાર બાદ ફાટી નિકળેલા કોમી રમખાણો પર વર્ષો સુધી ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરી ‘ગુજરાત ફાઇલ્સ’ નામનું અંગ્રેજી પુસ્તક લખ્યુ હતું. આ પુસ્તકમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી હરેન પંડ્યાની હત્યા પર પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તથા અમિત શાહ ગૃહરાજ્યમંત્રી હતા. સોશિયલ મીડિયા મારફત મળતી ધમકીઓ છતાં મહિલા પત્રકાર રાણા અયૂબે કહ્યું કે તે ભારતમાં રહેશે અને ડરીને દેશ છોડીને ક્યાય નહીં જાય.

સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ આ મામલે ભારતીય મહિલા પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો પણ હવાલો આપી કહ્યું કે ગૌરીને પણ આવી જ રીતે મારી નાખવાની ધમકીઓ મળતી હતી અને ત્યાર બાદ તેણીની ઘર બહાર જ જાહેરમાં હત્યા કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા.

રાણા અયૂબને સોશિયલ મીડિયા પર વિરોધીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહી છે. જેમાં ગત એપ્રિલ મહિનામાં તેમના નામથી એક ફેક ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું અને તેમાં જણાવાયુ હતું કે રાણા અયૂબ સગીરાઓ પર દુષ્કર્મના આરોપીઓનું સમર્થન કરી રહી છે. સાથે જ એવુ પણ લખ્યું હતું કે લઘુમતિઓ ભારતમાં સુરક્ષિત નથી. આ સિવાય એક ફેક અશ્લીલ વીડિયોમાં રાણા અયૂબના ફોટોને મોર્ફ કરી દેવાયો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આમ રાણા અયૂબને માનસિક રીતે પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે.